રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 3.0 દરમિયાન જિલ્લા વાઈઝ જાહેર કરેલા ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન મુજબ જિલ્લા કક્ષાએ સક્ષમ ઓથોરીટીની મંજૂરી મેળવી અન્ય જિલ્લામાં જવાની પરવાનગી આપવામાં આવેલી છે. રાજકોટ શહેરમાં અન્ય વિસ્તારોમાંથી આવતા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવા માટે રાજકોટ શહેરની અલગ-અલગ ચેકપોસ્ટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલી છે. પરંતુ જુદી જુદી શાખાના કુલ 5 કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તેઓને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
જે 5 કર્મચારીઓને શો-કોઝ નોટીસ આપવામાં આવેલી છે તેમાં (૧) હરેશ શામજીભાઈ રાઠોડ, જુનીયર ક્લાર્ક, ડ્રેનેજ શાખા, (૨) નીલરત્ન સી. પંડ્યા, સિનીયર ક્લાર્ક, વેરા વસુલાત શાખા, (૩) ધવલ આઈ. રાણા, આસી.એન્જીનીયર(સીવીલ), ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલ (૪) અશ્વિન આર. શાહ, જુનિયર ક્લાર્ક, સો.વે.મે. શાખા અને (૫) અલેપખાન એચ. મલેક, જુનિયર ક્લાર્ક, સો.વે.મે. શાખાનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓને આજીડેમ ચોકડી અને સાત હનુમાન, કુવાડવા રોડ સ્થિત ચેક પોસ્ટ ખાતે ફરજો સુપ્રત કરવામાં આવેલી છે. પરંતુ તેઓ ફરજ પર હાજર નહી થતાં રાજકોટ મ્યુનિ. કમિશનરએ તેઓને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગ્યો છે. નોટીસમાં જણાવાયું છે કે, ઉપરોક્ત બાબત લોકોના આરોગ્યલક્ષી હોવાથી અને આપના દ્વારા આ અંગેની તમને કોઈ ગંભીરતા ન હોવાથી ફરજ પ્રત્યેની શિથિલતા, બેદરકારી, નિષ્કાળજી અને ઉદાસીનતા સબબ તમારા વિરૂદ્ધ ધી જી.પી.એમ.સી.એક્ટ-1949ની કલમ-56(2) હેઠળ શિસ્ત વિષયક કાર્યવાહી શા માટે હાથ ન ધરવી ? તે અંગે તમોને આ કારણદર્શક નોટીસ આપવામાં આવે છે, જેનો લેખિત જવાબ દિન-3(ત્રણ)માં રજૂ કરશો. જો તમારા દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ રજૂ કરવામાં આવશે નહી તો તમે આ અંગે કશું કહેવા માંગતા નથી તેમ માનીને આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.