- રાજકોટમાં સુશિક્ષિત યુવતીએ પાડ્યો નવો ચીલો
- કોમ્પ્યૂટર ઓપરેટરની નોકરી છોડી ચા વેચવાનું શરુ કરતી યુવતી
- ચાની કેબિનથી શરુઆત, હવે કાફે ખોલ્યું
રાજકોટ: 21મી સદીમાં સ્ત્રી પણ પુરુષ સમોવડી બની છે. ખરેખર તે વાત સાબિત થઈ રહી છે. જેમાં આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ પાછળ રહી નથી. જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રેમાં સારા પદ પર બિરાજમાન થઈને અનોખી સિદ્ધિઓ પણ હાંસલ કરી રહી છે. એવામાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ એક યુવતીએ કોમ્પ્યૂટર ઓપરેટરની જોબ મૂકીને ચા વેચવાનું શરૂ કર્યું છે. નાની એવી ચાની કેબીનથી ચા વેચવાનું શરુ કરી અને માત્ર થોડાક જ સમયમાં આ મહિલાએ ચા માટે એક અલગ કાફે શરૂ કર્યું છે.
પહેલાં ચાની કેબિનથી કરી શરૂઆત
નિશા હુસેન નામની યુવતી કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી હતી. પરંતુ નિશાને ચા બનાવવાનો એવો શોખ હતો કે નોકરી મૂકી પોતાનો બિઝનેસ શરૂ કરવા તેને શહેરના વિરાણી ચોક નજીક ચાની કેબિન શરૂ કરી. ધ ચાઈવાલીના નામથી શરૂ કરેલા બિઝનેસમાં જરૂરિયાત મૂજબના નાણાં રોકીને નિશાએ પ્રથમ કેબિન શરૂ કરી હતી. હવે તેે પોતાની બહેનપણી સાથે મળીને શહેરના ઓમનગર નજીક કાફે ચલાવી રહી છે. જેમાં અલગ અલગ 10 પ્રકારની ચા બનાવવામાં આવે છે.
દિલ્હી ખાતે ફૂડ ફેસ્ટિવલમાં પણ લીધો હતો ભાગ
નિશા હુસેન ચા ક્ષેત્રેમાં વધુમાં વધુ આગળ વધવા માટે મહેનત પણ કરી રહી છે. નિશાએ દિલ્હીમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો. આ સાથે જ તેંને બેસ્ટ ચા માટે રોટરી કલબ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. રાજકોટમાં મહિલા દ્વારા ચાની કેબિન શરુઆત કરવાનો પ્રથમ શ્રેય કદાચ નિશાને જાય છે. નિશાને ચા વેચતી જોઈને અહીં આવતા ગ્રાહકોમાં અનેરો ઉત્સાહ છવાઈ જાય છે.
આ પણ વાંચોઃ મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા લોકો પાયલોટ
આ પણ વાંચોઃ જો મહિલાઓ કામ પ્રત્યે લગાવ રાખીને પોઝિટિવિટીથી કામ કરશે, તો સફળતાની વિપુલ તકો છે: નીમાબહેન આચાર્ય