- દિલ્હીના ખેડૂત આંદોલનના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ આવ્યા
- દિલ્હીના ખેડૂત આંદોલનના રાષ્ટ્રીય નેતાએ રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ
- કૃષિ કાયદો રદ્દ કરી નવો કાયદો બનાવની કરી માગ
રાજકોટ: દેશમાં ગત ઘણા સમયથી દિલ્હીની અલગ અલગ સરહદ પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિના સભ્ય અમરજીતસિંહ રારડા અને ઇન્દ્રપાલ રાજકોટ ખાતે આવ્યા હતા. તેમજ રાજકોટમાં ખેડૂતોના રાષ્ટ્રીય નેતા એવા અમરજીતસિંહ રારડા એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આંદોલનને આગળ કેમ વધારવું અને આગળની રણનીતિ શુ હશે તે અંગેની માહિતીઓ આપીને ખેડૂત નેતાઓ સાથે ચર્ચા યોજી હતી.
રાષ્ટ્રીય ખેડૂત નેતાઓએ મુખ્યપ્રધાન પર કર્યા પ્રહાર
અમરજીતસિંહ રારડા રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના મુખ્યપ્રધાનને આડે હાથ લીધા હતા. જેમાં અમરજીતસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહે છે કે, ગુજરાતના ખેડૂત સમૃદ્ધ છે. ત્યારે હું કહું છું કે, એક વખત ખેડૂત આંદોલન કરવાની છૂટ આપો ત્યારે ખબર પડશે કે, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે કે પછી મુશ્કેલીમાં. 26 જાન્યુઆરીના રોજ દિલ્હી જવા માટેની અમને પરવાનગી આપે, જેથી અમે શાંતિપૂર્વક અમે તેમાં જોડાઇ શકીએ. તેમજ કૃષિ કાયદો રદ્દ કરી નવો કાયદો બનાવવમાં આવે તેવી અમારી મુખ્ય માગ છે.
ખેડૂત આંદોલન કેમ આગળ વધારવું તે અંગે ચર્ચા
રાષ્ટ્રીય ખેડૂત નેતાઓએ રાજકોટમાં વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનને આગળ કેમ વધારવું તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આંદોલન પંજાબથી શરૂ થયું છે. દિલ્હી બોર્ડર પર અલગ અલગ રાજ્યોના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે. ખેડૂતો કેન્દ્ર સરકારના આ કૃષિ કાયદાને મોત સમાન માની રહ્યાં છે.