રાજકોટઃ રાજકોટના જામનગર રોડ પર આવેલા 25 વારીયા કવાર્ટરમાં પુત્રએ જ માતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.
રવિવારે રાતના સમયે પ્રકાશ ઉપેનભાઈ રાઠોડ નામના મારવાડી ઇસમે પોતાની માતા શેઠાણીબેન સાથે ઝઘડો કરી ત્યારબાદ આવેશમાં આવી જઈને માતાના માથાના ભાગે લાકડાના ધોકા વડે હુમલો કરતા તેની માતાનું મોત નીપજ્યું હતું.
આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા ગણતરીના જ કલાકોમાં આરોપી પુત્ર ઝડપાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીના 16 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા જેને લઈને માતા સાથે તે રહેતો હતો. અવાર નવાર તેની માતા તેને કંઈ કામધંધો કરવાનું કહેતી હતી જેને લઈને આવેશમાં આવીને પુત્ર પ્રકાશે માતાને લાકડાનો ધોકો માથાના ભાગે મારીને ઇજા પહોંચાડી હતી. જે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા આરોપી પુત્રને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.