- 22 જેટલા વાહનોના દૂધની સ્થળ પર જ ચકાસણી કરાઇ
- 5 જેટલા વાહનોમાંથી દૂધના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
- અંદાજિત 1000 લીટર જેટલું ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડ્યું હતું
રાજકોટઃ દૂધમાં ભેળસેળનું કારસ્તાન રાજકોટ સહિતના વિસ્તારોમાં ખોલ્યું હતું. જેને લઈને આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસથી જ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરમાં પ્રવેશતા મુખ્ય દ્વાર એવા ગોંડલ ચોકડી ખાતે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં દૂધ લઈને પ્રવેશતા વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન ફુડ વિભાગ દ્વારા 228 લીટર જેટલો બિન આરોગ્યપ્રદ દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 જેટલા અલગ-અલગ વાહનોમાંથી દૂધના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો- રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું
ફૂડ સેફટી ઓન વહીલ્સમાં તાત્કાલિક પરીક્ષણ
રાજકોટ શહેરમાં આસપાસના ગામમાંથી મોટા પ્રમાણમાં દૂધનો જથ્થો અલગ-અલગ વાહનોમાં આવે છે તેમજ આ દૂધ અહીંથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેચાણ અર્થે જાય છે. જ્યારે આજે વહેલી સવારે ફૂડ વિભાગની ટીમે ગોંડલ ચોકડી ખાતે ફૂડ સેફટી ઓન વહીલ્સ વાહન સાથે પહોંચી અને દૂધ અંગેની મેગા ડ્રાઇવ યોજી હતી. દરમિયાન ઘટના સ્થળે જ દૂધની ચકાસણી કરવામાં આવી હતી તેમજ અલગ-અલગ 4 જેટલા દૂધના વાહનોમાં ભેળસેળ વાળું દુધ હોવાનું પણ સામે આવ્યું હતું. આ સિવાય ફૂડ વિભાગની ટીમે 5 અલગ-અલગ દૂધના સેમ્પલ પણ લીધા છે.
પોલીસે પણ ઝડપી પાડ્યું હતું ભેળસેળયુક્ત દૂધ
તાજેતરમાં જ રાજકોટ પોલીસ દ્વારા પણ બાતમીના આધારે અંદાજિત 1000 લીટર જેટલું ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડ્યું હતું. જ્યારે આ દૂધ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામમાંથી મોકલવામાં આવ્યું હતું. જો કે, પોલીસ વિભાગ દ્વારા દૂધના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેની હજુ રાહ જોવાઇ રહી છે. ત્યારે આજે રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા ભેળસેળ દૂધને લઈને મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેને લઇને દૂધ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે.
4 દૂધના નમૂના શંકાસ્પદ જણાઈ આવ્યા: અધિકારી
આ અંગે મનપાના ફૂડ ઇન્સપેક્ટર અમિત પંચાલે જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારમાંથી રાજકોટમાં વેચાણ માટે આવતા દૂધની ચકાસણી કરવામાં આવી છે. શહેરના ગોંડલ ચોકડી ખાતે આ મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાંથી 22 જેટલા દૂધના વાહનોની ચકાસણી કરાઈ છે. જ્યારે 4 જેટલા દૂધના સેમ્પલ શંકાસ્પદ જણાઈ આવતા તેને વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રાજકોટમાં મોટાભાગના જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી અને જૂનાગઢ ખાતેથી દૂધ વેચાણ અર્થે આવે છે.