હીરાસર ગામ નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થવાનું છે. આ સાથે જ સમગ્ર રાજ્યને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠકનો દોર શરૂ થયો છે.
બન્ને પ્રોજેક્ટ રાજ્ય માટે અતિ મહત્વના માનવામાં આવી રહ્યા છે. જેથી કરીને બન્ને પ્રોજેક્ટની કામગીરી CMની દેખરેખ હેઠળ થઈ રહીં છે. તાજેતરમાં જ પ્રથમ હીરાસર એરપોર્ટ માટે બેઠક મળી હતી તેમજ તેના નિર્માણનું કામ પણ એક કંપનીને સોંપી દીધું હોવાની ચર્ચા થઇ રહીં છે. જ્યારે AIIMSને લઈને પણ બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું.
અંદાજીત 1000 કરોડ રૂપિયાના ખર્ચે 200 એકરમાં AIIMSનું નિર્માણ થવાનું છે. જેમાં 750 બેડની ક્ષમતા હશે. CM રૂપાણી દ્વારા AIIMSની કાર્યવાહી શરૂ થાય તે માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, એઇમ્સના નિર્માણ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ચૂકી છે. જ્યારે એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2020 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા અને AIIMSનું બાંધકામ શરૂ કરવા માટે CM દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટને AIIMS મળવાથી રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાના દર્દીઓને સીધો લાભ થશે.