રાજકોટઃ કોરોનાની વૈશ્વીક બીમારી સામે લડતના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અનાજનો પુરવઠો મળી રહે તે માટે રાજય સરકારે ખાસ ઝુંબેશ સ્વરૂપે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અનાજનો જથ્થો લાભાર્થીને પુરતા પ્રમાણમાં મળી રહે અને ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડા દ્વારા સમયાંતરે સરકારી સસ્તા અનાજની દુકાનોની આકસ્મિક ચકાસણી કરવામાં આવે છે.
આવી જ આકસ્મિક તપાસણી દરમિયાન રાજકોટ સ્થિત જામનગર રોડ પર આવેલી બજરંગવાડી ખાતેની પરવાનેદાર બી.ડી.જોષીની સરકારી સસ્તા અનાજની હંગામી દુકાનની રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસણી કરતા તે દરમિયાન અનેક ગેરરીતિઓ જણાઇ આવી હતી. જેમાં હાજર અનાજના જથ્થાની ચકાસણી કરતા ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને મીઠાના જથ્થામાં તફાવત જોવા મળ્યો હતો.
પરવાનેદાર દ્વારા non NFSA APL-1 ધારકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલા જથ્થામાંથી એપ્રિલ માસ દરમિયાન 388 તથા મે માસ દરમિયાન 614 રેશનકાર્ડ ધરાકોને અનાજનું વિતરણ નહીં કરીને તેઓની ઓનલાઇન એન્ટ્રી કરી ખોટા બીલ બનાવીને તે જથ્થાને તક મળતાં અનધિકૃત રીતે બારોબાર ઉંચા ભાવે વેચેલું હતુ. પરવાનેદારની આ ગંભીર પ્રકારની ગેરરીતિ બહાર આવતાં જિલ્લા પુરવઠા અધિકારીએ કડક કાર્યવાહિ અન્વયે પરવાનેદારનો પરવાનો તાત્કાલીક અસરથી 90 દિવસ માટે મોકુફ કર્યો અને આ દુકાનમાં રહેલા વિવિધ અનાજ, કેરોસીન અને મીઠાના કુલ રપિયા 67,905ના જથ્થાને સિઝ કર્યો છે.