- દફનવિધિ માટે બે ગજ જમીન મેળવવાં માટે વેઇટિંગ
- મ્યુનિસિપલ કમિશનરને આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી
- અન્ય પરિવારજનોની કબર ફરી ખોદી તેમાં કરાઈ રહી છે દફનવિધિ
રાજકોટ : શહેરમાં અલગ-અલગ નવ જગ્યા ઉપર કબ્રસ્તાન આવેલા છે, પરંતુ મોટા ભાગના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યાઓ હાલ ખૂટી રહી છે. મુસ્લિમ આગેવાનો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા છે તેને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસ્લિમ આગેવાનો દ્વારા કબ્રસ્તાનમાં કોઇપણ વ્યવસ્થાઓ નહીં હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મૃત્યુ વધતા 50 વર્ષ જૂની કબરો ખોદી એ જ કબરમાં બીજા મૃતદેહો દફન કરવા પડી રહ્યા છે
પરિવારજનો જ્યાં દફન કરાયેલા છે એ જ કબર ખોદી અને હાલ મૃત્યુ પામેલા પરિવારજનોની દફનવિધિ
હાલની સ્થિતિ મુજબ કબ્રસ્તાનમાં જગ્યા નહિં હોવાને કારણે મૃતકના પરિવારજનો દ્વારા પોતાની રીતે જ દફન માટે ખાડો ખોદવો પડી રહ્યો છે, તો બીજી તરફ જગ્યાના અભાવે પોતાના અન્ય પરિવારજનો જ્યાં દફન કરાયેલા છે એ જ કબર ખોદી અને હાલ મૃત્યુ પામેલા પરિવારજનોની દફનવિધિ કરવામાં આવી રહી છે. ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી છે અને દફનવિધિ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખ્રિસ્તી સમાજના લોકોને પાદરીની અપીલ, કબ્રસ્તાન ભરાઈ જતાં અગ્નિદાહ આપી શકાય
70 વર્ષમાં પહેલીવાર જગ્યા ખૂટી
મુસ્લિમ આગેવાન યુનુસ જૂણેજાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજાશાહી વખતના આ 9 કબ્રસ્તાનમાં 70 વર્ષમાં પહેલીવાર કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી છે. હાલ જે રીતે કોરનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે લોકોના દિન-પ્રતિદિન મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્રને અમારી એક જ માંગ છે કે, કબ્રસ્તાન માટે જગ્યા ફાળવામાં આવે.