- રાજકોટના 33 ગામોમાં વેક્સિનેશનનો દર 50 ટકાથી ઓછો
- વેક્સિન ન લેવા માટે અનેક કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું
- કોરોના મહામારીને પહોંચી વળવા માટે વેક્સિન એકમાત્ર અકસીર ઉપાય
રાજકોટ: કોરોના સંક્રમણને નાથવા માટેનું એકમાત્ર શસ્ત્ર એ કોરોના વેક્સિન છે. કેન્દ્ર કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી વેક્સિનેશનની કામગીરીને સચોટ રીતે પૂર્ણ કરવામાં આવે, તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ આ પ્રકારે જ શહેર અને જિલ્લામાં વધારેથી વધારે લોકો વેક્સિન લે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી રાજકોટના 33 ગામો એવા છે, જેમાં વેક્સિનેશનનો દર 50 ટકાથી ઓછો છે. જે ખૂબ જ ચિંતાજનક કહેવાય.
લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કરાયા
રાજકોટ જિલ્લામાં કુલ 11 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં વધુમાં વધુ પ્રમાણમાં લોકો કોરોનાની વેક્સિન લે તે માટે જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના કેટલાક ગામોમાં હજુ પણ કોરોનાની વેક્સિનને લઈને લોકોમાં અંધશ્રદ્ધા વધુ જોવા મળી રહી છે. જ્યારે તાજેતરમાં જ સામે આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના 33 ગામો એવા છે કે જ્યાં હજુ પણ 50 ટકાથી ઓછા લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. જે આગામી ત્રીજી લહેર માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ગામડાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને વિસ્તારના રાજકીય આગેવાનોને સાથે રાખીને કોરોના વેક્સિન અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌથી ઓછું વેક્સિનેશન વીંછીયા તાલુકામાં નોંધાયું
રાજકોટ જિલ્લામાં સૌથી ઓછું કોરોનાનું વેક્સિન વીંછીયા તાલુકામાં નોંધાયું છે. જ્યાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલું જ કોરોનાનું વેક્સિનેશન થયું છે. જ્યારે બે મહિના અગાઉ અહીંયા માત્ર 25 ટકા જ કોરોનાનું વેક્સિનેશન થયું હતું, પરંતુ તંત્રના અથાક પ્રયાસોને કારણે તેમજ લોકોને ઘરે ઘરે જઈને વેક્સિનેશન માટેની પ્રોત્સાહન લઈને આજે અહીં 65 ટકા જેટલું કોરોનાનું વેક્સિનેશન થવા પામ્યું છે. જ્યારે સૌથી વધુ વેક્સિનેશનની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સૌથી વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. સમગ્ર જિલ્લામાં લોધિકા તાલુકો વેક્સિન લેવામાં પ્રથમ ક્રમાંકે જોવા મળી રહ્યો છે. જેનું કારણ એવું પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે લોધીકા તાલુકામાં મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. તેમજ આ તાલુકો રાજકોટની નજીક હોવાથી લોકો વેક્સિનેશન માટે સ્વયં જાગૃત થઈ રહ્યા છે.
વેક્સિન ન લેવાના અનેક કારણો: જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશનને લઈને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, વેક્સિન ન લેવાના ઘણા બધા કારણો છે, માત્ર અંધશ્રદ્ધા જ નથી. જ્યારે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જેને લઇને તેઓ કોરોનાની વેક્સિન નથી લઈ રહ્યા. હાલ આવા તમામ લોકોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ તેઓ વહેલી તકે કોરોનાની વેક્સિન લે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સિનની વાત કરવામાં આવે તો 9.20 લાખ લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 2.75 લાખ લોકોએ કોરોના વ્યક્તિના બંને ડોઝ લીધા છે.