- રાજ્યભરમાં ઓફલાઈન શરૂ થશે ધોરણ 9થી 11ના વર્ગો
- રાજકોટમાં વાલીઓએ ETV Bharat સમક્ષ રજૂ કરી પ્રતિક્રિયા
- કોરોના કવચ, ફીમાં રાહત તેમજ કોરોનાના નિયમો અંગે રજૂ કરી ચિંતા
રાજકોટ: કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના અને કોલેજના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતા રાજ્યભરમાં ધોરણ 12 અને કોલેજના વર્ગો વિધિવત રીતે ઓફલાઇન શરૂ થઈ ગયા છે. જ્યારબાદ રાજ્ય સરકારે આગામી દિવસોમાં ધોરણ 9થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપી છે. આગામી 26 જુલાઈથી રાજ્યમાં ઓફલાઇન ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની છૂટ આપી છે. ત્યારે 50 ટકા વિદ્યાર્થીઓની કેપિસિટી સાથે હવે ગુજરાતમાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવામાં આવશે.
કોરોનાથી સંક્રમિત થાય તો જવાબદાર કોણ?
આગામી દિવસોમાં ધોરણ 9થી 11ના વર્ગો ઓફલાઇન શરૂ થવાના છે. ત્યારે નિલેશભાઈ નામક વાલીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખરેખર આવકારવા લાયક છે. સરકાર દ્વારા હવે આવા વિદ્યાર્થીઓને જો કોરોના થાય તો તેની સારવાર માટે પેકેજની પણ જાહેરાત કરવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓનું હિત કોરોનાકાળમાં પણ જળવાઈ રહે. આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. ત્યારે સરકારે પોતાના જવાબદારીમાંથી હાથ ઊંચા કરવા જોઈએ નહી.
સરકારે ફીમાં રાહત આપવી જોઈએ
આગામી દિવસોમાં ઓફલાઇન શાળાઓ શરૂ થવાની છે. ત્યારે ભાવેશ સાકરીયા નામના વાલીએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ છે. એવામાં હવે ખાનગી શાળાઓ પણ ફી મુદ્દે વારંવાર વાલીઓને ફોન કરીને હેરાન કરી રહી છે. ત્યારે આગામી દિવસોમા ઓફલાઇન શાળાઓ શરૂ થવાની છે. ત્યારે હવે શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ફીના મુદ્દે હેરાન કરી શકે છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન શાળાઓ શરૂ કરવાની છૂટ સાથે શાળાની ફીમાં પણ રાહત આપવી જોઈએ.
શાળાઓમાં કોરોનાના નિયમોનું પાલન નહિ થાય
અશોક કોટડીયા નામક વાલીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભલે ઓફલાઇન શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ શાળાઓમાં કોરોનાના નિયમોનું પાલન થવાનું નથી. જ્યારે સરકાર દ્વારા વાલીઓ પાસેથી વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે સંમતિ પત્ર માંગવામાં આવી રહ્યું છે અને ફીની પણ ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે યોગ્ય નથી. આ શાળાઓ ખોલવી એ માત્ર સરકાર અને શાળા સંચાલકોનું ફી ઉઘરવા માટેનું ષડયંત્ર છે. જ્યારે ગયા વર્ષે 25 ટકા ફીમાં રાહત આપી હતી. તે ચાલુ વર્ષે આપવામાં આવી નથી.