- જેતપુરમાં વેપારી આગેવાનો દ્વારા લેવામાં આવ્યો સ્વયંભૂ બંધનો નિર્ણય
- તા. 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજના 08 વાગ્યાથી સવારના 06 વાગ્યા સુધી દુકાનો રહેશે બંધ
- શનિવાર- રવિવાર કરવામાં આવશે સંપૂર્ણ સ્વયંભૂ બંધ
રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ તકેદારીના પગલાં લઇ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે જેતપુરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગે વધુમાં વધુ સાવચેતી રાખવામાં આવે અને તકેદારીરૂપે આગામી આજે શનિવારે બીજીવાર જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયા અને જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વસંત પટેલની આગવવાનીમાં જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની ઓફિસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, તારીખ 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજના 08 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ સાથે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં શનિવાર- રવિવારે સંપૂર્ણ રોજગાર ધંધા બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક બંધને લોકોએ આપ્યું સમર્થન, બજારો રહી બંધ
જેતપુરના સાડીના કારખાનાઓ રહેશે 24 કલાક ચાલુ
જેતપુર સાડી ઉદ્યોગનું વડુમથક ગણવામાં આવે છે અને જેતપુરમાં અઢળક સાડીના કારખાના આવેલા છે. સાથે જ આ કારખાનાઓમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પણ કામ કરી રહ્યા છે. સાડીના કારખાના ચાલુ રહેતા નાના વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને માસ્ક અને સેનિટાઇઝરની કોઈ મુહિમ ચલાવી નથી
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતી રામોલિયાને Etv Bharat દ્વારા સાડીના કારખાના કામ કરતા મજૂરોના આરોગ્યને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા માસ્ક અને સેનિટાઇઝરની કોઈ મુહિમ ચલાવી છે ? ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયા અચકાયા હતા અને સ્વીકાર્યું હતું કે આજ સુધી આવી કોઈ મુહિમ ચલાવી નથી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ આવા કાર્યક્રમ અંગે વિચારવામાં આવશે.