રાજકોટઃ શહેરમાં સાઇકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદૂષણમાં ઘટાડો થાય તેમ જ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાંઓ લઇ રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો ઉપયોગ ન કરતાં સાયકલ, ચાલતાં કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી હતી.
આ અપીલને રાજકોટના મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. તેમજ કમિશનર બ્રાન્ચના એક કર્મચારી ભાવેશભાઈ કારેલીયા પોતાના ઘરથી ઓફિસ સુધીનું અંતર પાંચ કી.મી. ચાલીને આવતાં મ્યુનિ. કમિશનરે તેમને બિરદાવ્યાં હતાં. આ સાથે જ આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિત નાયબ મ્યુનિ. કમિશનર બી. જી. પ્રજાપતિ, એ. આર. સિંઘ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાઇકલિંગ કરીને ઓફિસ આવ્યાં હતાં તેમજ ફિલ્ડમાં પણ સાયકલ લઈને કામગીરી કરી હતી.