- કોરોના(Corona)ના કારણે ઘરે બેસવાનો વારો આવ્યો
- લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર પણ જતા નથી
- રાજકોટના પરિવારે કોરોના કાળ બાદ ધંધો ઠપ્પ થઈ જતાં કેરીનો બિઝનેશ શરૂ કર્યો
રાજકોટઃ કોરોના(Corona)ના કપરા કાળમાં અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડે છે. જેથી, ઘરે બેસીને હાથ પર હાથ ધરીને બેસી રહેવું તેના કરતાં કોઈપણ નાનો-મોટો બિઝનેશ શરૂ કરીને પરિવારનું ગુજરાન ચલાવવું વધુ સારું રહે છે.
આ પણ વાંચોઃ કોરોના અસરઃ નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ
20-25 હજારનું રોકાણ કરીને ચેલેન્જ તરીકે વ્યવસાય કર્યો
રાજકોટના પરિવારે કોરોના(Corona) કાળ બાદ ધંધો ઠપ્પ થઈ જતાં કેરીનો બિઝનેશ શરૂ કર્યો. વાવાઝોડું ત્રાટકતા તાલાલાની કેરીને બદલે કચ્છની કેરી મંગાવીને વેચવામાં આવે છે. 20-25 હજારનું રોકાણ કરીને ચેલેન્જ તરીકે વ્યવસાય કર્યો. જેમાં પરિવાર પણ મદદરૂપ બની રહ્યો છે. જો કે, કેરીની સિઝનને પણ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારબાદ આ યુવકે ફરી પોતાનો ધંધો બદલવો પડશે તે નિશ્ચિત છે.
છેલ્લા 30 વર્ષથી ટુરિઝમનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે
કોરોના(Corona)ના કપરા કાળના કારણે ઘણા ધંધા પડી ભાંગ્યા છે. તો ઘણા લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે રોજી રોટી મેળવવા માટે કોઈ ધંધો નાનો નથી હોતો તે પુરવાર કર્યું છે. રાજકોટના અમિષ દફ્તરી છેલ્લા 30 વર્ષથી ટુરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોના(Corona)ને કારણે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ટુરિઝમનો વ્યવસાય ઠપ્પ છે. જેના પગલે તેમણે હાલ કેરીની સિઝન હોવાથી તેનો વેપાર શરૂ કરી દીધો છે.
40 કરતા વધારે બસ અને નાની ગાડીઓ વેચવાનો વારો આવ્યો હતો
લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર પણ જતા નથી, તો બહારગામ તો ક્યાંથી જાય એ કારણે ટુરિઝમ માટે રાખેલી બસો પડી રહેતા ટેક્ષ સહિતના ખર્ચાઓ વધી ગયા હતા. જેને પગલે તેને ભંગારમાં કાઢી નાખવાની ફરજ પડી હતી. જેમાં 40 કરતા વધારે બસ અને નાની ગાડીઓ વેચવાનો વારો આવ્યો હતો. કોરોના(Corona)ના કારણે અમારી જ નહીં, પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા બધા લોકોની સ્થિતિ આવી જ થઈ છે. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ પણ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં માટલાં બનાવી વેચનારનો ધંધો ઠપ્પ, સવલત માટે માગ
પત્નિ તેમજ દીકરી સહિતના પરિવારજનો પણ મદદરૂપ થયા
પરિસ્થિતિનો સામનો કરી આવક મેળવવા કંઇક કરવું જરૂરી હતું. ત્યારે તેમણે કેરીનો વેપાર શરૂ કર્યો છે. કારણ કે, મજબૂરી છે, આત્મનિર્ભર રહી સ્વાભિમાન સાથે જીવવા માટે ન છૂટકે આ વ્યવસાય સ્વીકાર્યો છે અને આ કામમાં મારી પત્નિ તેમજ દીકરી સહિતના પરિવારજનો પણ મદદરૂપ થાય છે. ટુરિઝમ અને કેરીના વેપારમાં હાથીઘોડાનો ફરક છે, પણ હાલ રોજીરોટી મળી રહે છે, તેમ અમિષ દફતરીએ કહ્યું હતું.