રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિસ્તારમાં બનાવમાં આવેલી લાયબ્રેરીની જગ્યાએ આવાસ યોજનાના કર્મચારીઓની ઓફીસ બનાવવામાં આવી છે. આ ઓફિસને સોમવારે કોંગી કાર્યકર્તાઓ દ્વારા તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે, કોંગી કાર્યકર્તાઓ ઓફિસને તાળા મારે તે પહેલાં જ શહેરની માલવીયનગર પોલીસ દ્વારા 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ વોર્ડ નંબર 13ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો. કોંગી કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા કરતા લાયબ્રેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ પણ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિત આ વિસ્તારના લોકો દ્વારા મહાનગરપાલિકા ખાતે લાયબ્રેરી આપવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.