રાજકોટઃ શહેરમાં સોમવારે ફરી પરપ્રાંતીયો પોતના વતન જવાની માગ સાથે એકઠા થયાં છે. રાજકોટના મવડી ચોકડી, ગોંડલ ચોકડી અને રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા ગામ નજીક સોમવારે ફરી મોટી સંખ્યમાં પરપ્રાંતીયો એકઠા થયાં હતા. જો કે, પોલીસ દ્વારા હાલ પરપ્રાંતીયોને સમજાવવામાં આવી રહ્યાં છે અને તેમને પોતાના વતન મોકલવા માટે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સજ્જડ બંધ હોવાના કારણે પરપ્રાંતીયો પાસે પૈસા ખત્મ થઇ ગયા છે, જ્યારે જીવન જરૂરી વસ્તુઓ પણ હવે નથી મળી રહી. આ સાથે જ કામ ધંધા હજૂ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. જેથી પરપ્રાંતીયો પોતાના વતન જવાની ઉગ્ર માગ કરી રહ્યા છે.
રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, છતાં પણ અહીં લોકડાઉન રેડઝોન જેવું જ રાખવા માટેનો રાજ્ય સરકારનો આદેશ છે. જેને લઈને આગામી દિવસોમાં ક્યારે ધંધા રોજગાર શરૂ થાય તે અંગે પણ ચોક્કસ માહિતી જાણવા મળી નથી.
અત્યાર સુધી પરપ્રાંતીયો રાજકોટમાં શાંત હતા, પરંતુ ત્રીજું લોકડાઉન શરૂ થતાં તેમની ધીરજ પણ ખૂટવા લાગી છે. જેથી રાજકોટમાં વસવાટ કરનારા પરપ્રાંતીય લોકો રસ્તાઓ પર આવી રહ્યાં છે.