- ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હતું
- પોલીસને ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી
- છેલ્લા 22 દિવસમાં જ 1120 કરતા વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
રાજકોટ: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ(Biodiesel) વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેની સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે તેમજ તમામ જિલ્લાઓના પોલીસને પણ ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ત્યારે રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઓન ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હતું. જેની વિરુદ્ધ રાજકોટ રેન્જ આઈજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે કુલ 120 જેટલી અલગ-અલગ ટીમો બનાવમાં આવી છે. જે દરરોજ બાયોડિઝલને લઈને કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો- ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જમાં છેલ્લા 2 દિવસમાં 14 કેસ, દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે
1100 જેટલા સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા
રાજકોટ જિલ્લા રેન્જ આઈજી સંદીપ સિંહની અધ્યક્ષતામાં જુદી-જુદી 120થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે. જે રાજકોટ સહિત રેન્જમાં આવતા પાંચ જેટલા જિલ્લાઓમાં સતત બાયોડિઝલ(Biodiesel)ને લઇને કાર્યવાહી કરી રહી છે. જે દરમિયાન છેલ્લા 22 દિવસમાં જ 1120 કરતા વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમજ 27 જેટલા દરોડા સફળ રહ્યા છે અને આ મામલે ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આ ગુના મુજબ હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
દોઢ લાખ લીટરથી વધુનું ગેરકાયદેસર બાયોડિઝલ કબ્જે
રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જમાં આવતા પાંચ જિલ્લાઓમાં સતત પોલીસ દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલ (Biodiesel)વેચતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ આ સમગ્ર મામલે મારુ દરરોજ મોનીટરીંગ પણ થાય છે. છેલ્લા 22 દિવસમાં દોઢ લાખ કરતા વધુનું બાયોડિઝલ કબ્જે કરવામાં આવ્યું છે તેમજ આ મામલે 35 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક કેસમાં મૂળ સુધી જવાની પોલીસ અધિકારીઓને ખાસ સૂચના અપાઈ છે.

આ પણ વાંચો- ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસની લાલઆંખ
ગુજરાત બહાર પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ
રાજકોટ રેન્જ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલ (Biodiesel)કૌભાંડ મામલે પોલીસે 35 જેટલા આરોપી ઝડપી પાડ્યા છે તેમજ આ મામલે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા આ બાયોડિઝલ બનાવમાં શુ ઉપયોગમાં લેવામાં આવતું હતું તેમજ આ બાયોડિઝલનો જથ્થો ક્યાંથી આવતો હતો. તે તમામ બાબતોને લઈને પોલીસ સઘન તપાસ કરી રહી છે. જ્યારે આ મામલે પોલીસ તપાસ માટે ગુજરાત બહાર પણ જઈને આવી છે અને ત્યાં પણ તપાસ શરૂ છે. જ્યારે રાજકોટ રેન્જમાં સૌથી વધુ ગેરકાયદેસર બાયોડિઝલ મોરબીમાંથી કબ્જે કરવામાં આવ્યું છે.