- રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વણસી
- હોસ્પિટલોમાં અઠવાડિયાનું વેઈટીંગ
- એમ્બ્યુલન્સમાં કરવામાં આવી રહી છે દર્દીઓની સારવાર
રાજકોટઃ દેશમાં કોરોનાના કારણે પરિસ્થિતિ વણસી છે. ત્યારે રાજકોટમાં પણ કોરોના દરરોજ 300થી 400 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ ખાનગી અને સિવિલ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાયા છે. હાલ આ હોસ્પિટલમાં દર્દીઓને બેડ પર નથી મળી રહ્યા. ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને દાખલ કરવા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હાલ કોઈપણ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા તૈયાર નથી. જ્યારે સરકારી હોસ્પિટલમાં પણ માંડ માંડ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી સિવિલ હોસ્પિટલની બહાર જ એમ્બ્યુલન્સની મોટી લાઈનો લાગી છે અને એમ્બ્યુલન્સમાં જ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં સપ્તાહમાં ત્રણ દિવસ યાર્ડ બંધ રહેશે
ખાનગી અને સરકારી હોસ્પિટલના 1462 બેડ
શહેરમાં કોરનાનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં દરરોજના 300થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. મનપાની ચૂંટણી પુર્વે રીકવરી રેઇટ વધીને 92થી 94 ટકા હતો જે હાલ ઘટીને 88 ટકા આવી પહોંચ્યો છે. સતત વધતા કોરોનાના કેસ સામે કોવિડ હોસ્પિટલમાં પણ બેડની અછત સર્જાઈ છે. હાલ સરકારી હોસ્પિટલમાં 512 અને ખાનગી હોસ્પિટલમાં 950 મળીને કુલ 1462જ બેડ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે, જ્યારે કોવિડના હળવા લક્ષણો વાળા દર્દીઓને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હાલ બેડની અછત હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં 5થી 8દિવસના વેઇટિંગ હોવાનું જોવા મળ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત
ખાનગી અને સરકારી મળીને 25થી વધુ હોસ્પિટલ
રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ખાનગી તેમજ સરકારી મળીને 25થી વધુ હોસ્પિટલો આવેલી છે, પરંતુ હાલ આ તમામ હોસ્પિટલોમાં બેડની સંખ્યા ફૂલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તો દર્દીઓને 5થી 7 દિવસ સુધી વેટિંગમાં રહેવું પડે છે, અને ત્યારબાદ તેમની સારવારનો નંબર આવે છે. જ્યારે રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ મળીને 202 જેટલા જ વેન્ટિલેટર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રાજકોટમાં દરરોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ત્યારે વેન્ટિલેટરની સંખ્યા પણ તેની સામે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.