- સતત બે વાર રાજકોટ એરપોર્ટ ખાતે ફ્લાઇટ આવી, પરંતુ લેન્ડ ન થઈ
- રાજકોટ એરપોર્ટ ખાતે આવનારા પ્રવાસીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા
- દિલ્હીની ફ્લાઇટ ડિલે થતાં એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઇટ પણ ડિલે થઇ હતી
રાજકોટઃ એરપોર્ટ પર મુંબઈથી આવેલી ફ્લાઇટ લેન્ડ ન થઈ શકી હતી. જ્યારે બે વખત આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર આવીને પરત ગઈ હતી. અત્યાર સુધીના રાજકોટના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના જોવા મળી નથી, પરંતુ ગઈકાલે આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. જેમાં રાજકોટ એરપોર્ટ ખાતે આવનારા પ્રવાસીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. સતત બે વાર રાજકોટ એરપોર્ટ ખાતે ફ્લાઇટ આવી, પરંતુ લેન્ડ થઈ શકી નહોતી. જેના કારણે પ્રવાસીઓ અકડાયા હતા.
આ પણ વાંચો- પહેલા જ દિવસે સ્પાઈસ જેટની સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ કેન્સલ થતાં પ્રવાસીઓ અટવાયા
વિમાન રન-વે પર ઉભું હોવાના કારણે બની ઘટના
સામાન્ય રીતે રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉભી હતી, જે પહેલાથી જ લેટ હતી. જેના કારણે મુંબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઈટ રાજકોટના એરપોર્ટના રન-વે પર લેન્ડ થઈ શકી નહોતી. વાત એવી પણ સામે આવી રહી છે કે, રાજકોટ ખાતે આવેલી એર ઇન્ડિયા ફ્લાઇટના ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ હોવાના કારણે આ ફ્લાઇટ મોડી પડી હતી. જેના કારણે રાજકોટ એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઈટને રન-વે પર ઉતરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. જ્યારે ઈન્ડિગોની મુંબઈથી રાજકોટની ફ્લાઈટ બે વાર એરપોર્ટ સુધી આવીને રન વે પર લેન્ડ થઈ શકી નહોતી અને પરત મુંબઈ ફરી હતી.
એરપોર્ટ પર પાર્કિંગ માટેની અવ્યવસ્થા સર્જાઈ
એર ઇન્ડિયાની ફ્લાઇટના ક્રૂર મેમ્બરની તબિયત બગડતા ફ્લાઇટ ડિલે થઇ હતી. જ્યારે દિલ્હીની ફ્લાઇટ ડિલે થતાં એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઇટ પણ ડિલે થઇ હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ રન-વે પર હોવાથી ઈન્ડિગો મુંબઈની ફ્લાઇટ લેન્ડ કરી શકી ન હતી. પાર્કિંગની અવ્યવસ્થાના કારણે ઈન્ડિગોની ફ્લાઇટ રાજકોટથી પરત મુંબઈ મોકલવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ખરાબ થયેલી ઈન્ડિગોની ફ્લાઇટ હજુ પણ પાર્કિંગમાં છે. જેનું એન્જિન આવતા તેનું રિપેરિંગ હાથ ધરાશે.
આ પણ વાંચો- રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ 20થી 24 જાન્યુઆરી સુધી રદ્દ
એરપોર્ટ ખાતેના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા
મુંબઈ જવા માટેની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ શકી નહોતી. જેને લઇને રાજકોટથી મુંબઈ જનારા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, એરપોર્ટ પ્રશાસન દ્વારા તેમને અડધી કલાક, પછી બે કલાક અને પછી ત્રણ કલાક ત્યારબાદ હવે ફ્લાઈટ કેન્સલ થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોડી રાત્રે ફ્લાઈટ કેન્સલ થઈ હોવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અલગ-અલગ જિલ્લામાંથી આવેલા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે એરપોર્ટ પ્રશાસનને પોતાના રાત્રી રોકાણની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું હતું. જ્યારે આ મામલે એરપોર્ટ પ્રશાસન દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.