- રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી
- પોલીસે નશીલા પદાર્થ સાથે 4ને ઝડપ્યા
- પોલીસે આરોપીઓ પાસેથી 17 કિલો ગાંજો જપ્ત કર્યો
રાજકોટઃ રાજકોટ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભગવતી પરા મેઈન રોડથી બેડી ચોકડી તરફ જતા માર્ગ ઉપર એક લીલા કલરની રિક્ષા તેમ જ એક આઇસર મીની ટ્રક ઊભો હતો, જેમાંથી એક પ્લાસ્ટિકની બેગમાં કંઈક ભરેલી વસ્તુ આઈસરમાંથી ઉતારીને ઈસમો રિક્ષામાં નાખતા હતા. પોલીસને શંકા જતા તાત્કાલિક આ બાચકાની તપાસ કરતા 17 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.
ગાંજાના જથ્થા સાથે 4 શખ્સની ધરપકડ
રાજકોટ પોલીસે ગાંજાના 17 કિલોથી વધુના જથ્થા સાથે ચાર શખસને ઝડપી પાડ્યા છે, જેમાં નાસીર હાસમભાઈ સિરમાન, અર્જુન ભરતભાઈ કામલિયા, દિલાવર યુસુફભાઈ પીપરવાડિયા, પરેશ ચંદુભાઈ સાગઠિયા નામના શખસનો સમાવેશ થાય છે. ગાંજા સાથે ઝડપાયેલા ચારેય શખસ રાજકોટના જ અલગ અલગ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રૂ. 1,75,000 ગાંજાના જથ્થા સાથે રૂ. 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસે ઝડપી પાડેલા 17 કિલોથી વધુના ગાંજાના જથ્થાની બજાર કિંમત રૂ. 1,75,000 માનવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી એક આઈસર, એક રિક્ષા તેમ જ અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ સહિતની વસ્તુ કબજે કરી છે. આમ, રાજકોટની બી ડિવિઝન પોલીસે આ ગુના હેઠળ કુલ રૂપિયા રૂ. 12 લાખથી વધુનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી કબજે કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.