રાજકોટઃ ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોએ જુદા-જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કરેલ અને શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયાં અને સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી, પરંતુ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લાં બે દિવસથી મૂશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર સાવ બદલી નાખ્યું છે. જેમાં જેતપુરના થોરાળા ગામ પાસે આવેલ તળાવના હેઠાણવાળા વિસ્તારમાં વીરપુરના ખેડૂતોની ખેતીની જમીનો આવેલા છે.
ભારે વરસાદને પગલે થોરાળા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ નાના તળાવો પણ ઘણાં તૂટી જતાં ખેતરોમાં ઘોડાપૂર આવ્યાં હતાં. આ પૂરમાં ખેતરોમાં ઉભા પાક સાથે ખેડૂતોની આશાનું પણ ધોવાણ થઈ ગયું હતું. સંપૂર્ણ પાક ધોવાણ થઈ જતાં આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ કરી હતી.