- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NCP તમામ બેઠક પર ચૂંટણી લડશે
- વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને વધુ મહત્વ આપીએ છીએઃ રેશ્મા પટેલ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં આ વખતે ભાજપ અને કોગ્રેંસ સાથે આમ આદમી પાર્ટી અને NCP પણ તમામ બેઠક પર ચૂંટણી લડવાનું છે. જેને લઈને NCP મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને વધુ મહત્વ આપીએ છીએ અને અમે અમારા મેનિફેસ્ટોમાં પણ પ્રથમ સિસ્ટમ બદલવાની વાત લઈને લોકો પાસે મત માંગવા જશું અમે પ્રજાના પ્રશ્નોને ઉઠાવશું.
જે પ્રજાના પ્રશ્નોનો અવાજ ઉઠાવે તેમને NCP ટીકિટ આપશે
રાજકોટ ખાતે આવેલી NCPના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે ETV ભારતને જણાવ્યું હતું કે, જે ઉમેદવાર લોકોના પ્રશ્નોને વાચા આપે તે ખરા અર્થમાં લોકોની સેવા કરે તેમજ લોકો માટે લડવાની ભાવના રાખે તેવા ઉમેદવારોને NCPમાંથી ટીકિટ આપવામાં આવશે. શિક્ષિત વ્યક્તિ અંગે રેશ્મા પટેલે જણાવવામાં આવ્યું હતું કે, જો માત્ર શિક્ષિત ઉમેદવારોથી કામ ચાલતું હોય તો આજે રાજકારણમાં એન્જિનિયર અને ડોક્ટર સૌથી વધુ હોય. ઉલ્લેખનીય છે કે, NCP દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં હવે ગણતરીની જ બેઠકોના નામ જાહેર કરવાના બાકી છે.
લોકો માટે જ કામ કરવાની ભાવના રાખતા હોય તેવા તમામ લોકોને NCPમાં સ્થાન આપવામાં આવશે
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવતા ઉમેદવારો જે ખરેખર લોકો માટે જ કામ કરવાની ભાવના રાખતા હોય તેવા તમામ લોકોને NCPમાં સ્થાન આપવામાં આવશે. જ્યારે આ લોકોને ટીકિટ આપવા અંગેની વાત તેમણે કરી નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પક્ષ અને NCP પણ લડવાનું છે. જેને લઈને ભાજપ કોંગ્રેસની સાથે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને NCPના ઉમેદવારો પણ જંગના મેદાનમાં ઉતરવાના છે.