- કેન્દ્ર સરકાર દ્વારા 24 જેટલી ઇલેક્ટ્રોનિક બસો રાજકોટ મનપાને અપાઇ છે
- પ્રદુષણ ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસ કરાઇ રહ્યા છે
- હજુ સુધી ઇલેક્ટ્રોનિક બસ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી
રાજકોટ: પ્રદુષણ ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અનેક રાજમાર્ગો પર ઇલેક્ટ્રોનિક બસો દોડાવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા 24 જેટલી ઇલેક્ટ્રોનિક બસો રાજકોટ મનપાને આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ બસો શરૂ કરવામાં આવી નથી, જ્યારે પ્રજા પણ બસ શરૂ થવાની રાહ જોવે છે. જેને લઈને આ મામલે મેયર ડો. પ્રદીવ ડવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 7 કે 8 દિવસમાં ઇલેક્ટ્રોનિક બસો રાજકોટના રાજમાર્ગો પર જોવા મળશે.
રાજકોટને 24 ઇલેક્ટ્રોનિક બસોની ફાળવણી કરાઇ
રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સમયે કેન્દ્ર સરકાર દ્વારા બે તબક્કામાં કુલ 150 ઇલેક્ટ્રોનિક બસ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી પહેલા તબકકામાં અત્યારસુધી કુલ 24 બસ રાજકોટને મળી ગઈ છે. જે બસોને મનપા દ્વારા ભાવનગર રોડ પર બનાવામાં આવેલા ડેપોમાં રાખવામાં આવી છે. જ્યારે અહીં બસોને ચાર્જ કરવાનું સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરાઇ છે. જ્યારે પૂર્વ કમિશનરની બદલી પછી રાજકોટ મનપાના નવા કમિશનર દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ઇલેક્ટ્રોનિક બસ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.
ઇલેક્ટ્રોનિક બસોનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું: મેયર
રાજકોટમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક બસો છેલ્લા કેટલાક દિવસોથી ધૂળ ખાઈ રહી છે. જે અંગે રાજકોટમાં મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઇલેક્ટ્રોનિક બસ ચલાવવામાં આવશે. જ્યારે રાજકોટમાં આવેલી 24 જેટલી ઇલેક્ટ્રોનિક બસોનું ટ્રાયલ પણ થઈ ગયું છે. જ્યારે આ બસોનું આગામી 7થી 8 દિવસમાં લોકાર્પણ કરવામાં આવશે.
વિજય રૂપાણીના હસ્તે થવાનું હતું લોકાર્પણ
રાજકોટમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક બસો ચલાવામાં આવશે. જ્યારે આ બસોનું લોકાર્પણ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાવવાનું હતું, પરંતુ અચાનક સરકાર બદલાઈ જતા સમગ્ર કાર્યક્રમ પાછળ ઠેલાયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે આ મામલે મેયરે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન સાથે આ મામલે વાતચીત કરીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો- લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ
આ પણ વાંચો-સાસણગીરના પ્રવાસીઓ હવે સફારીની મજા વિશ્વસ્તરીય બસમાં કરી શકશે