- રાજકોટને મળ્યા 21માં મેયર
- મેયર તરીકે ડૉ.પ્રદીપ ડવની નિમણૂક
- ડૉ.પ્રદીપે શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનું કહ્યું
રાજકોટઃ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ આ ચૂંટણીમાં રાજકોટ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે, ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં આજે શુક્રવારે વિધિવત રીતે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે ડૉ.પ્રદીપ ડવનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ડૉ.દર્શિતા શાહ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
મેયર તરીકે ડૉ.પ્રદીપ ડવના નામની જાહેરાત
રાજકોટ મહાનગર પાલિકાના 21માં મેયર તરીકે ડૉ.પ્રદીપ ડવની આજે શુક્રવારે નિમણૂક કરવામાં આવી છે. જેને લઇને ભાજપના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેયર બન્યા બાદ ડૉ.પ્રદીપે સૌ પ્રથમ શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની વાત કરી હતી. આ ઉપરાંત રાજકોટમાં જે વિવિધ અધૂરા પ્રોજેક્ટ છે તે વહેલાસર પુરા કરવાનું પણ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે. ડૉ. પ્રદીપ ડવ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. આ સાથે જ તેઓ ભૂતકાળમાં શહેર યુવા ભાજપ પ્રમુખ સહિતની વિશેષ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
ડેપ્યુટી મેયર તરીકે દર્શીતા શાહ
રાજકોટ મહાનગરપાલિકાની પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે ડૉ.દર્શીતા શાહનું નામ ફરી જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કેસ દર્શીતા શાહ અગાઉ પણ અઢી વર્ષ માટે રાજકોટના ડેપ્યુટી મેયરના પદે રહી ચૂકયા છે, ત્યારે આજે ફરી તેમની નિમણૂક કરવામાં આવતાં તેમના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ વધુમાં વધુ સ્માર્ટ સિટી બને તે દિશામાં તેમની આગળ કાર્યવાહી રહેશે.
સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે પુષ્કર પટેલ અગાઉ પણ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર રહી ચૂકયા છે. આગામી દિવસોમાં બજેટ હોવાથી તેની તૈયારીઓ હવે સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક થયા બાદ શરૂ કરવામાં આવનાર હોવાનું તેમમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
શાસક પક્ષના નેતા વીનુ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂકમાં શાસક પક્ષના નેતા તરીકે વિનુ ધવાનું નામ જાહેર થયું છે, જ્યારે શાસક પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનના 12 જેટલા સભ્યોની પણ આજે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાના તમામ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવતા આગામી દિવસોમાં હવે રાજકોટ મનપાનું નવી ટર્મનું કાર્યકાળ ફરી શરૂ થશે અને રાજકોટ મહાનગરપાલિકા ફરી ધમધમતી થશે.