- કોરોના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું- ડો. પંકજ બુચ ( Dr pankaj buch)
- કોવિડ-19 ત્રીજી લહેર જાગૃતિ બેઠક યોજાઇ
- પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે યોજાઇ બેઠક
રાજકોટ: કોરોના વાયરસની ત્રીજી લહેરમાં નાના-કુમળા બાળકો ભોગ ન બને તે માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા “કોવિડ-19 ત્રીજી લહેર જાગૃતિ બેઠક”નું આયોજન પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
મેદસ્વીતાના કારણે લાંબા ગાળે રોગપ્રતિકારક શક્તિને અસર
આ તકે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના પિડીયાટ્રીક વિભાગના વડા ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે લાંબાગાળે તેમની રોગપ્રતિકારક શક્તિને અસર થાય છે. આવું ન થાય તે માટે બાળકોને ઘરમાં જ માતા-પિતાએ કસરત કરાવવી જોઈએ. શ્વાસને લગતી સમસ્યાઓ, થેલેસેમિયા, એચ.આઈ.વી.ના બાળદર્દીઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકના જન્મના 14 દિવસ પહેલાના અને જન્મના દિવસથી 28 દિવસ સુધીનો તબક્કો નિયોનેટલ કહેવાય આ દરમિયાન બાળક તથા તેની માતાની કાળજી ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરશે સંબોધિત
બાળકોનું ઓક્સિજન 80 ટકાથી ઘટે તો ડોક્ટરને બતાડવું
બાળકોમાં ઓક્સિજનનું પ્રમાણ 80 ટકાથી ધટી જાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો. 2-3 લીટર ઓક્સિજનની જરૂરીયાત હોય ત્યારે બાળકને તેના નજીકના પી.એચ.સી કે સી.એચ.સી પર જ બાળકને સારવાર આપી શકાય છે. 5 લીટરથી વધુ ઓક્સિજનની બાળકને જરૂર પડવા લાગે તો તુરંત જ તેઓને જિલ્લાની મુખ્ય હોસ્પિટલ ખાતે રીફર કરવા. બાળકો ઘરે જ ઝડપથી સાજા થતા હોય છે માટે ગભરાવાની જરૂર નથી. માસ્ક પહેરીએ, હાથ ધોઈએ અને સોશિયલ ડીસ્ટંસિંગનું સંપૂર્ણ પાલન કરીએ તેમ ડો. પંકજ બુચે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: Decision at cabinet meeting: રાત્રિ કરફ્યૂમાં 8 મહાનગરોમાં વધુ હવેથી એક કલાકની ઢીલ આપવામાં આવી
કાર્યક્રમમાં અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ તકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ કુલદિપ ઠાકર, અધ્યક્ષા જાગૃતિબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના કાયદાકિય સલાહકાર દિપક જોષી, વિભાગીય નાયબ નિયામક(આરોગ્ય) રૂપાલી મહેતા, મિત્સુબેન વ્યાસ સહિતના રીજીયનના અધિકારીઓ તથા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.