- ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કિસાન સંમેલન યોજવા માટે માંગી હતી મંજૂરી
- પરવાનગી ન મળતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા
- 20 જાન્યુઆરીનાં સાંજનાં સમયથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા હતા
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ખેડૂતોએ 22 જાન્યુઆરીનાં રોજ ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત કરી હતી. રાજકોટ ખાતે જ્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનો ખેડૂત સંમેલનની પરવાનગી માંગવા પહોંચ્યા ત્યારે પરવાનગી ન મળતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. ધરણા પર બેસેલા પૂર્વ ધારાસભ્ય સહિતનાં આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ 22 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કિસાન સંમેલન યોજવા માટે 16 જાન્યુઆરીના રોજ મંજૂરી માંગી હતી. કિસાન સંમેલન યોજાય એ પહેલાનાં 2 દિવસથી સૌરાષ્ટ્રનાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરવાનું ચાલુ કર્યું હતું. 20 જાન્યુઆરીનાં સાંજનાં સમયથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા હતા. ખેડૂત આગેવાનોને નજરકેદ શા માટે કરવામાં આવ્યા તેમને મુક્ત કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડહ્યાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા સહિત પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનો ઉપવાસમાં બેઠા હતા. જેઓની અટકાયત કરવામાં આવી હતી.