- રાજકોટમાં કોરોના વેક્સીનનું 9 સ્થળોએ ડ્રાયરન
- કોરોના ગાઈડ લાઈન મુજબ ડ્રાયરનનું આયોજન
- આરોગ્ય ટિમ દ્વારા થશે એક સમાન કામગીરી
રાજકોટઃ સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહી છે. ટૂંક સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવશે તેવી આશા જણાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ પાંચ સ્થળોએ ડ્રાય રન કર્યા છે બાદ 8 જાન્યુઆરીએ વધુ 9 સ્થળોએ આરોગ્ય શાખા દ્વારા ડ્રાયરનનું આયોજન કરવામાં આવેલું છે.
વધુ 9 સ્થળોએ કોરોના વેક્સીનનું ડ્રાયરન
રાજકોટ શહેરના વધુ 9 સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે. જેમાં 1. વોકહાર્ડ હોસ્પિટલ, 2. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, 3. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, 4. નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, 5. શાળા નં. 61, 6. કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, 7. રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, 8. શાળા નં. 43 અને 9. કોઠારી નિદાન કેન્દ્ર – રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા ડ્રાય રન યોજાશે.
આરોગ્ય ટિમ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન કામગીરી
ડ્રાય રન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહેશે. મનપા દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે આરોગ્ય કર્મચારીઓને બોલાવવામાં આવશે. તેમજ પસંદગી કરાયેલા 9 સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે.
SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S- સોશિયલ ડિસ્ટન્સ)નું પાલન
પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ હશે. જેમાં પ્રથમ રૂમમાં આવનારા વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S- સોશિયલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલા co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને 30 મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. અહિં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-સોશિયલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.