રાજકોટ: કોરોના વાઇરસના કેરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે લૉક ડાઉન હોવાના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહ્યાં છે. જે દરમિયાન રાજકોટમાં સાયબર ક્રાઈમના ACPસાથે ઈટીવી દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં લૉક ડાઉન સમયે સાયબરક્રાઇમના ચાર ગુના સામે આવ્યાં છે. જ્યારે લૉકડાઉન સમયે ફેસબૂક, ટ્વીટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના 60 કરતાં વધુ ફેક એકાઉન્ટ છે તેને બંધ કરવામાં આવ્યાં છે.
રાજકોટ શહેરમાં લૉકડાઉનમાં કોરોનાને લઈને ફેક ન્યૂઝ કે અફવાઓ વાઇરલ ન થાય તે માટે આ પ્રકારના એકાઉન્ટને બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજકોટમાં નાણાકીય છેતરપિંડી અંગેની અરજીઓમાં સાયબર ક્રાઈમ દ્વારા 70 જેટલાં અજદારોના નાણાં રિકવર કરીને અંદાજીત રૂ.26 લાખ કરતાં વધારે રકમ પરત કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ સાયબર સેલ દ્વારા 400 કરતા વધારે ચોરાઉ અને ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 80 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાંથી રાજકોટ શહેરના 74 અને રાજકોટ ગ્રામ્યના 6 પોઝિટિવ કેસ છે.
આ પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધીમાં બે કોરોનાના દર્દીના મોત થયાં છે. જ્યારે રાજકોટના કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં જ 50થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો ન થયો હોવા પાછળ પોલીસતંત્રની જબરદસ્ત કામગીરી સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા દરરોજ કડક બંદોબસ્ત ગોઠવીને લોકોને લૉકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન કેમેરા દ્વારા સતત અલગ અલગ સોસાયટી પર પણ નજર રાખવામાં આવી રહી છે.