- લોક સાહિત્યકાર દેવાયત ખવડે બહાર પાડ્યો એક વીડિયો
- મને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
- પાર્કિંગને મામલે પાડોશી સાથે હતો ઝગડો
રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટના રવીરત્ન પાર્કમાં પાડોશીની બબાલ મુદ્દે વિખ્યાત લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાથમાં ધોકા સાથે વિસ્તારમાં રોફ જમાવતા હોવાનું સામે આવ્યું હતું. જે અંગેના સમાચાર વિવિધ મીડિયામાં પણ પ્રસિદ્ધ થયા હતા. આજે (રવિવાર) આ મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા સોશિયલ મીડિયામાં વીડીયો મૂકીને સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ તેમણે જણાવ્યું છે કે,"મારા હિતશત્રુ દ્વારા મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે અને સમાજ માંથી બહાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મારા પાડોશીઓ વચ્ચે પાર્કિંગ મામલે છેલ્લા આઠ દસ મહિનાઓથી ઝઘડો થઈ રહ્યો છે. જે મામલે મે બંને માત્ર છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા".
દેવાયત ખવડ હાથમાં ધોકા સાથે જોવા મળ્યા હતા
લોક સાહિત્યકાર દેવાયત ખવડ રાજકોટના રવીરત્ન પાર્કમાં રહે છે. આ વિસ્તારમાં કાર પાર્કિંગ મામલે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેને લઇને આ બબાલમાં દેવાયત ખવડ હાથમાં ધોકા સાથે ઊતરી પડયા હતા. ત્યારબાદ સમગ્ર મામલો વધુ બીચકતા ઘટના સ્થળે પોલીસ પણ આવી હતી. જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ દેવાયત ખવડ હાથમાં ધોકો લઈને વિસ્તારમાં રોફ ધરાવતા હોવાના ફોટા વાયરલ થયા હતા. જેને લઇને દેવાયત ખવડ વિવાદમાં આવ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વધુ થતા દેવાયત ખવડ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો પ્રસિદ્ધ કરીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચો : સોમવારથી 2 દિવસ માટે વિધાનસભાનું ચોમાસું સત્ર, નવા પ્રધાનમંડળની થશે કસોટી
ઝઘડા મામલે દેવાયત ખવડે કરી સ્પષ્ટતા
દેવાયત ખવડ વિવાદમાં આવતા તેમના દ્વારા આજે(રવિવાર) સોશિયલ મીડિયામાં એક વીડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે," મારા પડોશમાં રહેતા બે અલગ અલગ સમાજના વ્યક્તિઓ વચ્ચે પાર્કિંગ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા મારી સોસાયટીમાં સાથે આઠ દસ લોકો આવ્યા હતા અને હંગામો મચાવી રહ્યા હતા. ત્યારે હું માત્ર આ લોકોને છૂટા પાડવા માટે ગયો હતો. જ્યારે મેં મારો પાડોશી ધર્મ નીભાવ્યો હતો. જ્યારે મેં કોઈની સાથે ઝઘડો પણ કર્યો નહોતો. સમાજમાં મારા હિતશત્રુઓ દ્વારા મને બદનામ કરવા માટે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે".
આ પણ વાંચો : શિક્ષકોએ શિક્ષણને અભડાવ્યું : શાળામાં દારૂ પીને આવ્યો આચાર્ય, શિક્ષક બન્યો ગુલ્લી માસ્ટર
પાડોશીઓ વચ્ચે પાર્કિંગ મામલે 8 મહિનાઓથી ઝઘડો
વીડિયોમાં દેવાયત ખવડ વધુમાં જણાવ્યું હતું કે, "મારા પાડોશમાં બે અલગ અલગ સમાજના વ્યક્તિઓ રહે છે. જ્યારે આ બંને વચ્ચે પાર્કિંગ મામલે છેલ્લા આઠ મહિનાથી તકરાર શરૂ છે. જે મામલે બે દિવસ પહેલા સાથે આઠ દસ લોકો મારા ઘર પાસે આવીને ત્યાં બેઠેલા લોકોને ડરાવી રહ્યાં હતા. ત્યારે હું આ લોકોને છુટા પડાવવા માટે ગયો હતો. જ્યારે મારા હાથમાં કોઈ પણ હથિયાર પણ નહોતું અને મેં કોઈની સાથે બબાલ પણ કરી નહોતી માત્ર હું પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાને લઈને તેમને છુટા પડાવવા માટે ગયો હતો".