રાજકોટઃ શહેરમાં આજીડેમ નજીક ઓવરબ્રિજની દિવાલ પડવાના કારણે બે વાહન ચાલકોના મોત થયા હતા. ત્યારે આ મામલે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે દુર્ઘટનામાં મૃતક ભુપતભાઇ મિયાત્રા અને વિજયભાઈ વિરડાના પરિજનોને મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી CM રૂપાણી દ્વારા રૂપિયા 4-4 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઘટનાના બે દિવસ કરતા વધારે સમય વીત્યા છતાં ઓવરબ્રિજની દીવાલ ક્યાં કારણોસર પડી તે અંગેનું કારણ ચોક્કસપણે હજુ સુધી જાણી શકાયું નથી.
આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ગુહવિભાગ તરફથી મેજિસ્ટ્રેટિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને જિલ્લાના મેજિસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે જેના ભાગરૂપે અમે હાલ આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. તેમજ SDM સીટી એકના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે ટેક્નિકલ મદદ માટે રાજકોટ અને મોરબી તેમજ પોલિટેક્નિક એન્જીનીયરીંગના પ્રોફેસરોને પણ કમિટીમાં સમાવવામાં આવ્યા છે.
સુરતની NIT ટીમ પણ આ મામલે સ્વતંત્ર રીતે તપાસ કરશે. આ મામલે ઓવરબ્રિજની દીવાલ ક્યાં કારણોસર પડી અને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તમામ બાબતોની તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ આગામી 15 દિવસમાં રાજ્ય સરકારને સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.