રાજકોટ: વિંછીયા તાલુકાના ભોંયરા ગામમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ રૂપિયા 14 લાખના પંચાયતઘરનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ તેમણે રૂપિયા 7 લાખના ખર્ચે તૈયાર થનારા સી.સી.રોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
આ અંગે કેબિનેટ પ્રધાને જણાવ્યું હતું કે, આધુનિક અને સુવિધાસભર પંચાયતધર ગામનું ઘરેણું છે. સરકાર દ્વારા તૈયાર થયેલા આ પંચાયતઘર અને અન્ય સુવિધાઓ ગામ લોકોની સુવિધામાં વધારો કરવા સાથે ગામ લોકોની સહિયારી જવાબદારી પણ છે. જેથી લોકો તેની જાળવણી કરે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રૂપિયા 40 કરોડના ખર્ચે હીંગોળગઢ પાસે પાણીના પમ્પ સહિતની સુવીધા ઉભી કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારની પાણીની સમસ્યા કાયમી દૂર થશે. આ સાથે જ 'નલ સે જલ' યોજના અંતર્ગત દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચતું કરાશે.
આ પ્રસંગે વિંછીયા મામલતદાર ડાંગી, ઇનચાર્જ તાલુકા વિકાસ અધિકારી મકવાણા, આગેવાન ભરત મકવાણા, તલાટી એમ.ટી.આલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, અગ્રીણીઓ અને ગામ લોકો હાજર રહ્યા હતા.