- રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ
- ખંડેરી સ્ટેડિયમ ખાતે યોજાઈ શકે છે લીગ
- BCCI દ્વારા લીગ યોજવા અપાઈ મંજૂરી
રાજકોટઃ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર ક્રિકેટ લીગ યોજવા માટે BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હાલ ચાલી રહેલી IPLની મેચ પૂર્ણ થયા બાદ આ પ્રીમિયર લીગ યોજી શકાશે. દેશના તમામ રાજ્યના ક્રિકેટ એસોસિએશનને પોત પોતાની લીગ યોજવા માટે BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર માહિતી મેઈલ દ્વારા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના માટે વિવિધ રાજ્યના ક્રિકેટ એસોસિએશનો પણ લીગ યોજવા માટે તૈયારીઓમાં લાગ્યા છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ
BCCIના કાર્યકારી અધિકારી હેમાંગ અમી દ્વારા દેશના વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને મેઈલ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બોર્ડ દ્વારા કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 દિવસના કૂલિંગ ઓફ ક્લોઝને હટાવીને રાજ્ય ક્રિકેટ એસોસિએશન્સને ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનની મંજૂરી આપી છે. જોકે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ BCCI દ્વારા પ્રીમિયર લીગને મંજૂરી આપવામાં આવતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લીગ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.