રાજકોટઃ કોરોનાના કાળા કહેર અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન દરેક લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે, આર્થિક સંકડામણથી કંટાળીને ઘણા લોકોએ જીવન ટુંકાનવાના રસ્તો અપનાવી રહ્યા છે. આવી જ રીતે શહેરના અમીન માર્ગ પર રહેતા ભરતભાઈ લોઢીયા અને તેમના પત્ની કિરણબેન લોઢીયાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા બંનેનો જીવ બચી ગયો હતો. જ્યારે બીજી તરફ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દંપતી પાસે છેલ્લા કેટલાક સમયથી પંકજ અગ્રવાલ અને તેનો ભાઈ પૈસાની ઉઘરાણી કરવા માટે આવતો હતો. તેઓ રોજ ઉઘરાણી માટે આવે અને દંપતી પાસે પૈસા ન હોવાથી રોજની આ બાબતથી કંટાળીને આપઘાત કરવાનું વિચારી લીધું હતું, તેઓએ જીવન ટુંકાવવા ફિનાઈલ પી લીધી હતી.
જેથી હાલ દંપતીને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દંપતીની સોની બજારમાં દુકાન છે. આ દુકાનમાં દિવાળી દરમિયાન ચોરી થઈ હતી. ચોરીથી તેમને આર્થિક મુશ્કેલી સર્જાઇ હતી. તો આર્થિક સંકડામણથી દંપતીએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.