ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં 9500 જેટલી જગ્યા પ્રવેશ માટે ઉપલબ્ધ
રાજકોટ જિલ્લાની કુલ માધ્યમિક શાળાઓ 760 જેટલી છે
સામાન્ય પ્રવાહની કુલ 448 સ્કૂલો છે
રાજકોટ: રાજકોટ જિલ્લો એ સૌરાષ્ટ્રભરમાં શિક્ષણનું હબ ગણાય છે. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લાની કુલ માધ્યમિક શાળાઓ 760 જેટલી છે. સામાન્ય પ્રવાહની કૂલ 448 અને વિજ્ઞાન પ્રવાહની કુલ 126 સ્કુલો છે. સમગ્ર જિલ્લામાં ધોરણ 10ના અંદાજિત 44 હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અંદાજિત 31 હજાર જેટલી અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં 9500 જેટલી જગ્યા પ્રવેશ માટે ઉપલબ્ધ છે.
જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે કુલ 574 શાળા ઉપલબ્ધ
કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ પાસ થતા ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કુલ 574 શાળા ઉપલબ્ધ છે. જેથી સામાન્ય પ્રવાહના 31 હજાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના 9500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
ચાલુ વર્ષે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેની વ્યવસ્થા શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ શાળામાં 23 અને સરકારી શાળામાં 6 વર્ગ વધારવાની દરખાસ્ત
વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ શાળામાં 23 અને સરકારી શાળામાં 6 વર્ગ વધારવાની મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેથી વિજ્ઞાન પ્રવાહમાં 11,800 જેટલા તથા સામાન્ય પ્રવાહમાં 34 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તેટલી ક્ષમતાનો વધારો થશે.
વર્ગ દીઠ 60ના બદલે 75 વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી
આ ઉપરાંત, વર્ગ દીઠ 60ના બદલે 75 વિદ્યાર્થીઓને પ્રવેશની અનુમતિ આપવામાં આવતા રાજકોટ જીલ્લામાં અંદાજીત 3 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓને ધોરણ 11માં સમાવી શકાશે. ઉપરોક્ત કારણોસર સમગ્ર જિલ્લામાં ધોરણ 11માં પ્રવેશ મેળવવાની કોઇ સમસ્યા નહીં રહે અને બાળકોને નજીકની શાળામાં જ પ્રવેશ મળી રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું છે.