- ગોંડલથી મોવિયા પોતાના ઘરે જતા યુવાનનું અકસ્માતમાં મોત
- મોવિયા રોડ પર વારંવાર બને છે અકસ્માતના બનાવો
- નદી નાળાના પુલ પર રેડિયમ લગાવાય તો અકસ્માત ઘટી શકે
- ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે
- તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે
રાજકોટઃ ગોંડલ મોવિયા રોડ ઉપર નદીના પૂલનું કામ ચાલી રહ્યું હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ડાઈવર્ઝન માટે પાળો ઊભો કરાયો હતો. જેમાં ગોંડલથી પલસર GJ3DR 1603 નંબરના બાઈક ઉપર મોવિયા ઘરે જઈ રહેલા મુકેશ દિલીપભાઈ રાઠોડનું બાઈક પાળા સાથે અથડાયું હતું. આથી સર્જાયેલા અકસ્માતમાં મુકેશભાઈને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના બાઈકમાં પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર જે. વી. વાળાએ હાથ ધરી હતી. મુકેશભાઈને સંતાનમાં એક પુત્ર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સાંજે અચાનક પાળો બનાવી દેતા અકસ્માત સર્જાયો
મુકેશભાઈ પરિવારમાં આધારસ્તંભ સમાન હતા અને કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા સવારે કામે જવા નીકળ્યા ત્યારે ડાયવર્ઝન પાસે કોઈ પાળો ન હતો અને સાંજે પરત ફરતી વેળાએ કોન્ટ્રાક્ટર દ્વારા પાળો કરી દેવામાં આવ્યો હતો. તેની સાથે અચાનક બાઇક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.