- પૂર્ણ થયેલી ટર્મના 60 કોર્પોરેટરો દ્વારા તેમને આપવામાં આવેલી ગ્રાન્ટ વપરાય નથી
- રાજકોટ મનપા કોર્પોરેટરોને મળી હતી રૂ.15 લાખની ગ્રાન્ટ
- મનપાના 72 માંથી 12 કોર્પોરેટરોએ જ ગ્રાન્ટ વાપરી છે
રાજકોટઃ શહેર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે હાલ મનપાની કામગીરી માટે મનપા કમિશ્નરને જ વહીવટીદાર તરીકે નીમવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી યોજાયા બાદ નવી બોડી ન આવે ત્યાં સુધી જ મનપા કમિશ્નર દ્વારા મહાનગરપાલિકાની તમામ કામગીરી સંભાળવામા આવશે. એવામાં સામે આવ્યું છે કે, તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટર્મના 60 જેટલા કોર્પોરેટરો દ્વારા તેમને આપવામાં આવેલી ગ્રાન્ટ વાપરી શક્યા નથી. આ 60 કોર્પોરેટરોમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેના કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.
મનપા કોર્પોરેટરોને મળી હતી રૂ.15 લાખની ગ્રાન્ટ
જ્યારે ચૂંટણી આવે છે તેવા સમયે અલગ અલગ પક્ષના નેતાઓ ઉમેદવારોના મત મેળવવા માટે નવા નવા વાયદાઓ કરે છે, તેમજ વિસ્તારમાં વિકાસના કામોની વાતો કરે છે. પરંતુ ચૂંટાયા બાદ તેમને મળતી ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં લોકોની સુવિધાઓ માટે ઉપયોગ ન કરતા હોય તેવું રાજકોટમાં કોર્પોરેશનમાં જોવા મળ્યુ છે. રાજકોટ મનપા કોર્પોરેટરોને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.15 લાખની ગ્રાન્ટ આવામાં આવી હતી. જેમાંથી 60 જેટલા ભાજપ અને કોંગ્રેસ બન્નેના કોર્પોરેટરોની રૂ.25થી 11.80 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમ જ પડી હોવાનું સામે આવ્યું છે. મેયરને શહેરમાં કોઇ પણ વિસ્તાર માટે 6 લાખ મળે છે તેમાંથી રૂ.4 લાખ 88 હજાર 923, ડેપ્યુટી મેયરે 4.50 લાખમાંથી રૂ.3 લાખ 15 હજાર 512, સ્ટેન્ડિંગ ચેરમેને 4.50 લાખમાંથી 3 લાખ 5 હજાર 835, વિરોધ પક્ષના નેતાએ 4.50 લાખમાંથી રૂ.1 લાખ 6 હજાર 818નો ખર્ચ કર્યો છે.
મનપાના 72માંથી 12 કોર્પોરેટરોએ પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી
રાજકોટ મનપાની ચાલુ ટર્મ બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ છે. ત્યારે ક્યા કોર્પોરેટરોએ પોતાના વિસ્તારના લોકોના ઉપયોગ અને સુવિધાઓ માટે કેટલી ગ્રાન્ટ વાપરી તે સામે આવ્યું છે. જેમ શહેરના ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષના મળીને કુલ 72 કોર્પોરેટરો છે. જેનાથી માત્ર 12 જેટલા કોર્પોરેટરોએ જ પોતાને મળતી રૂ.15 લાખની તમામ ગ્રાન્ટ વિસ્તારના લોકોની સુવિધાઓ માટે વાપરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ડો.ઉર્વશી પટેલ, પારૂલ ડેર, અશ્વિન ભોરણિયા, કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, રૂપા શીલુ, વિજયા વાછાણી, અંજના મોરજરિયા, દુર્ગાબા જાડેજા, નિર્મળ મારૂ, દલસુખ જાગાણી, સમજુ કળોતરાનો સમાવેશ થાય છે.
કોર્પોરેટરોએ ગ્રાન્ટ ન વાપરી તે શરમજનક બાબત: પૂર્વ વિપક્ષી નેતા
મનપાના ભાજપ અને કોંગ્રેસ બન્નેના 60 જેટલા કોર્પોરેટરો ગ્રાન્ટ વાપરી શક્યા નથી, તે અંગે મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારમાં વિકાસના કામોમાં અને લોકોની સુવિધાઓ માટે ગ્રાન્ટ વાપરી શક્યા નથી તે શરમજનક બાબત છે. સરકાર દ્વારા લોકોના ઉપયોગ માટે ગ્રાન્ટ ફાળવામાં આવે છે તે વાપરવી જોઈએ. તેમજ જે કોર્પોરેટરોની ગ્રાન્ટ હજુ બાકી છે તો શું એવું માની લેવું કે આ વિસ્તારમાં લોકોના તમામ કામ થઈ ગયા છે? તમામ સુવિધાઓ લોકોને મળી ગઈ છે ખરેખરમા એવું નથી પરંતુ રાજકોટના ઘણા વિસ્તારમાં હજુ પાયાની સુવિધાઓનો પણ અભાવ છે.