રાજકોટઃ સૌરાષ્ટ્ર સાથે ગુજરાતભરમાં નોકરી કામ-ધંધા અર્થે વસેલા, પ્રવાસે આવેલા અને શિક્ષણ અર્થે આવેલા કેરેલા વાસીઓ માટે સરકાર દ્વારા રાજકોટ થી તિરુવનંતપુરમની એક સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી હતી. જેથી કેરળના વતનીઓ, પોતાના વતન સુખરૂપ પહોંચી શકે અને તે માટે તેમની પૂરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં વસતી કેન્સરગ્રસ્ત દીકરીના સ્વાસ્થ્યને જોવા કેરળથી રાજકોટ આવેલા જ્યોર્જ મેથ્યું પણ લોકોડાઉનને કારણે અહીં રોકાઈ ગયા હતા. પરંતુ સરકારે ટ્રેનની સુવિધા આપતા તેઓ પણ પોતાના વતન જઇ રહ્યાં છે. કોરોના મહામારીથી લોકોને ઉગારવા રાજ્ય સરકાર જે કામગીરી કરી રહી છે તેને નજરે નિહાળી તેઓ કહે છે કે, “કોરોનાની પરિસ્થિતિમાં સરકાર જે કાર્ય કરી રહી છે તે બદલ હું કેરેલા રાજ્ય વતી આભાર માનું છું”
કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી 395, અમદાવાદથી 294, વડોદરાથી 89, સુરતથી 815 કેરેલાવાસી યાત્રિકોને આ વિશેષ ટ્રેન દ્વારા કેરેલાના તિરુવનંતપુરમ માટે રવાના કરાયા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લાના કલેક્ટર સહિત વિવિધ વિભાગના જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રમિકો સહિતની કેરેલા વાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન અંગે બજાવેલી કામગીરીની વિગતો આપી હતી.