- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ
- કર્મચારી હાથમાં બોટલ લઈને ફરતો હોવાનો ફોટો વાઈરલ
- ઉપ કુલપતિ દ્વારા આ મામલે તપાસના અપાયા આદેશ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. જેમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં કામ કરતા કર્મચારીનો દારૂની બોટલ હાથમાં લઈને આંટા મારતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુનિવર્સિટીના કર્મચારીના હાથમાં દારૂની બોટલ હોવાનો ફોટો વાયરલ થતાં અનેક સવાલો યુનિવર્સિટી સામે થઈ રહ્યા છે. જ્યારે શિક્ષણવિદોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ વિદ્યાના ધામમાં આ પ્રકારે દારૂની મહેફિલો થતી હોવાની ઘટનાઓ નકારી શકાતી નથી.
યુનિવર્સિટીમાં આવી હરકત નહિ ચાલે: ઉપ કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. વિજય દેસાણી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની ઘટનાઓને કોઈપણ રીતે ચલાવી ન શકાય. જ્યારે તપાસ સમિતિ દ્વારા અમને રિપોર્ટ આપવામાં આવશે એટલે અમે તાત્કાલિક જ જવાબદારો સામે પગલાં લેશું અને જો જરૂર જણાય તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતા ચારેબાજુથી યુનિવર્સિટી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.