- કૃષ્ણનગર ગામના ખેડૂત અને માજી સરપંચ લાલજીભાઈ વિરાણીનું અનોખું સેવાકાર્ય
- સ્મશાનમાં વિવિધ જાતના 500 થી વધુ વૃક્ષો ઉગાડી બનાવ્યું સુંદરવન
- 5 વર્ષની મહેનત રંગ લાવતા સૂમસામ જગ્યાનું થયું લીલુંછમ પરિવર્તન
રાજકોટઃ સામાન્ય રીતે લોકોને સ્મશાન પ્રત્યે અણગમો હોય છે પરંતુ કૃષ્ણનગર ગામના ખેડૂત અને માજી સરપંચ લાલજીભાઈ વિરાણીએ 5 વર્ષ અગાઉ ગામના સ્મશાનને સુંદરવન બનાવવાની નેમ ધારણ કરી અને સ્વખર્ચે જ સ્મશાનમાં અલગ અલગ જગ્યાએથી ફૂલો, ફળો અને વિવિધ ઔષધિઓના બિયારણ લાવીને ઉગાડતા ગયા હતા. આજે 5 વર્ષ બાદ અહીં ઘટાદાર વૃક્ષો જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વૃક્ષોમાં હાલ ફળ પણ આવવા લાગ્યા છે. મુખ્યત્વે સ્મશાનમાં આમળાં, બદામ, ચીકુ, બોર, દાડમ, ઉપરાંત વિવિધ પ્રકારના ફૂલો અને ઔષધિઓ પણ જોવા મળે છે.
લાલજીભાઈએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા બધા ગામોના સ્મશાનમાં મે કેટલીક સારી બાબતો જોઈ છે. જેને લઈને મને થયું કે આપણા ગામના સ્મશાનને પણ સુંદરવન જેવું બનાવવું જોઈએ. આથી મેં અહીં સ્મશાનમાં ખુલ્લી જગ્યામાં જ્યાં અગાઉ માત્ર પથ્થરો હતા, ત્યાં કાળી માટી નાખીને જમીનને વ્યવસ્થિત કરી હતી.
ત્યારબાદ અહીં વૃક્ષો એક પછી એક ઉગાડવાનું શરૂ કર્યું હતું. અત્યારે આ સ્મશાનમાં વિવિધ પ્રકારના 500 કરતા વધુ નાના મોટા વૃક્ષો છે. જે આપણી ભવિષ્યની પેઢીને પણ ઉપયોગી થાય તેવા છે.
આ સ્મશાનને બગીચા જેવું સુંદરવન બનાવવામાં આવતા ગામના બાળકો અહીં રમવા માટે આવે છે. જ્યારે ગામમાં કોઈ મહેમાન આવે તો તેઓ પણ સ્મશાનની મુલાકાતે આવે છે. તેમજ ગામની મહિલાઓ પણ સ્મશાનમાં આવતી હોવાનું લાલજીભાઈએ જણાવ્યું હતું. કૃષ્ણનગરના સ્મશાનને સુંદરવન બનાવવામાં ગ્રામજનોએ પણ એટલો જ સાથ સહકાર આપ્યો છે. જેને લઈને વૃક્ષોનું જતન પણ અહીં થઈ રહ્યું છે.
મુખ્યત્વે ગામડાંઓમાં માન્યતાઓ હોય છે કે સ્મશાનમાં ન જવાય પરંતુ કોઈ લોકો જાય પરંતુ અમારા ગામના બાળકો, વડીલો, મહિલાઓ તમામ લોકો સ્મશાને આવે છે અને અહીં બેસીને પક્ષીઓ અને પશુઓ તેમજ વૃક્ષો વચ્ચે સમય પસાર કરે છે.