- રાજકોટમાં 400 કેસ નોંધાયા
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 77 દર્દીઓ સારવારમાં
- સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસીસના 659 કેસ નોંધાયા
રાજકોટઃ જિલ્લામાં કોરોનાનું જોર ઘટતા થોડી રાહત સર્જાઈ રહી હતી ત્યાં હવે કોરોનાના કારણે ઉદ્ભવેલી તેનાથી પણ ખતરનાક બિમારી મ્યુકોરમાઇકોસીસના કેસમાં ધડાધડ વધારો થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી મ્યુકોરમાઇકોસીસનો નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસીસના 659 દર્દી જોવા મળ્યાં હતાં. હળવદમાં 2 અને જામનગર 1 દર્દીની રોશની છીનવાઈ છે. અમરેલી યાર્ડના ચેરમેનનું મ્યુકોરમાઇકોસીસ બાદ બ્રેઇન સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
મોરબીમાં મ્યુકોરમાઇકોસીસના 200 કેસ નોંધાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 77 મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા છે જેમાના 31 દર્દીઓ રાજકોટ જિલ્લાના છે. રાજકોટમાં 400, મોરબીમાં 200, જામનગરમાં 35, જૂનાગઢમાં 15, હળવદમાં 6, પોરબંદર 3 કેસ સામે આવ્યા છે. જેમાં આ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે તેમજ સારવાર આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પણ સિવિલ હોસ્પિટલોને પરિપત્ર પાઠવીને આ રોગ મટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવાની તાકીદ કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ અલગ આખો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
મ્યુકોરમાઇકોસીસના કેસમાં ધરખમ વધારો
રાજકોટ સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓમાં સાજા થયા બાદ આ ગંભીર બિમારી જોવા મળી રહી છે. જેમાં આંખ, નાક, ગળામાં થતાં આ રોગ માટે સર્જરી અનિવાર્ય બની જાય છે. જ્યારે આ રોગમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન પણ ખુબ મોંઘા છે. આ ચેપી રોગ છે અને તેમાં પણ દર્દીની સ્થિતિ મુજબ તેને ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડે છે. એટલે સિવિલમાં મનોચિકિત્સા વોર્ડમાં મ્યુકોરમાઇકોસીસનો અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…
મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો થયોઃ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ
આ વોર્ડમાં બેડની ક્ષમતા 30ની છે ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો થયો છે, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જે દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીને પણ અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે.