- રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ
- મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું ઓનલાઈન લોકાર્પણ
- ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જઃ સીએમ
રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન, પાણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબદ્ધ છે. રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન રાજ્યના નાગરિકોને સધિયારો આપતાં જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્યસરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. તથા પ્રતિદિન 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રધ્ધા અને ખોટી અફવાઓથી લોકો વેક્સિન લેવાનું ટાળે
232.50 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું ઈ-લોકાર્પણ કર્યું
આજે પ્રારંભ થયેલા વિવિધ વિકાસ કામોની ભૂમિકા વિશે મુખ્યપ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા પાંચ રાજ્યો પૈકી ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે જેણે આ પ્રોજેક્ટને નિયત સમયગાળામાં કાર્યરત કરવા માટે ખૂબ મહેનત કરી છે, જેના પરિણામ સ્વરૂપે આજે આપણે લોકોને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અન્વયે બનાવાયેલા મકાનો સોંપી શક્યા છીએ. આ સાથે જ તેમને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રૂ. 232.50 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું ઈ-લોકાર્પણ કર્યું હતું જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 118 કરોડના ખર્ચે બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ યોજનાનો ઈ ડ્રો, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા 67.63 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ ડ્રો, રૂ.37.69 કરોડના ખર્ચે જુદા જુદા વોર્ડમાં થનારા વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 9.18 કરોડના ખર્ચે રૂડા વિસ્તારમાં થનારા વિકાસકામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગે દેશને સંબોધન કરશે