- કોરોનાની ત્રીજી લહેર પહેલાં રાજકોટમાં તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ
- 25માંથી 17 ઑક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા
- વિવિધ જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે
- 6 સ્મશાન ગૃહોમાં રીનોવેશન અને રીપેરીંગ કરાવવામાં આવ્યું
રાજકોટ: દેશમાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે ગઈ નથી. તેવામાં આગામી દિવસોમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આરોગ્ય સંસ્થાઓ દ્વારા શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેના ભાગરૂપે હજુ પણ સરકાર દ્વારા કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી નથી. તેમજ મોટા શહેરમાં રાત્રે કરફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ હૉસ્પિટલોના બેડની સંખ્યાઓ વધારવામાં આવી રહી છે. આ સાથે જ ઑક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા નવા નવા ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે સ્મશાનોનું પણ રિનોવેશન કરવામાં આવ્યું છે.
17 ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર
કોરોનાની ત્રીજી લઈને પહોંચી વળવા માટે સરકાર દ્વારા આગામી દિવસોમાં અનેક પ્રકારના નવા આયોજન પણ કરાયાં છે. જિલ્લામાં 25 ઑક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી વધુ ઑક્સિજનની અછત રાજ્યમાં વર્તાઈ હતી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં ઑક્સિજનની માંગ પૂર્ણ કરવા માટે નવા-નવા પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે રાજકોટ જિલ્લામાં પણ કુલ 25 જેટલા ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. આમાંથી અત્યાર સુધીમાં 17 જેટલા ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે, જ્યારે 8 જેટલા ઑક્સિજનના પ્લાન્ટ હજુ તૈયાર થઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
બીજી લહેરમાં પડી હતી ઑક્સિજનની ભારે તંગી
કોરોનાની બીજી લહેર દરમિયાન લોકો ઑક્સિજનના બાટલા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બાટલા ભરાવવા માટે લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઑક્સિજનના અભાવના કારણે કેટલાક દર્દીઓના મોત પણ થયાં હતાં, પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે વિવિધ જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે.
શહેરમાં 6 સ્મશાનમાં રીનોવેશન કરવામાં આવ્યું
રાજકોટમાં કોરોનાકાળમાં સ્મશાનોમાં પણ વેઇટીંગ હતું. કોવિડ બોડી માટે ખાસ સ્મશાનો અનામત કરવા પડયા હતા, ત્યારે ઇલેક્ટ્રિક અને ગેસ આધારીત ભઠ્ઠીઓ પણ ડે-નાઇટ અંતિમ સંસ્કારના કારણે ભસ્મ થઇ જતા મનપાએ રૂ.15.60 લાખના ખર્ચે રીનોવેશન કરાવ્યું છે. મનપા લાઇટિંગ સમિતિ દ્વારા રૂ. 15.60 લાખના ખર્ચે 6 સ્મશાનગૃહોમાં રીનોવેશન અને રીપેરીંગ કરાવવામાં આવ્યું છે, જેમાં રામનાથપરા નદી સાઇડની ઇલેક્ટ્રોનિક ફર્નેશ 6.08 લાખ અને ઑફિસ સાઇડની ઇલેક્ટ્રોનિક ફર્નેશ 3.64 લાખના ખર્ચે બદલવામાં આવી છે. અહીં ગેસ આધારીત ફર્નેશ માટે પણ રૂ. 51 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. 80 ફૂટ રોડ ઇલેક્ટ્રોનિક સ્મશાનમાં 57 હજારનો ખર્ચ કરીને રીનોવેશન થયું છે. મવડી ઇલેક્ટ્રોનિક સ્મશાનની ભઠ્ઠી પણ બિનઉપયોગી જેવી થઇ ગઇ હોય 4.60 લાખના ખર્ચે નવી ભઠ્ઠી બેસાડવામાં આવી છે. જ્યારે મોટા મવા ઇલેક્ટ્રોનિક સ્મશાનમાં પણ રૂ. 17 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.
17 ઑક્સિજન પ્લાન્ટ સંપૂર્ણ તૈયાર
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર માટે વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઇને રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં 25 જેટલા ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવવાના છે, જેમાંથી 17 જેટલા ઑક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે, જ્યારે આગામી દિવસોમાં વધુ 8 જેટલા ઑક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ જશે. અત્યારે તેની કામગીરી ચાલી રહી છે, જ્યારે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલા ઑક્સિજન પ્લાન્ટની પણ કેપિસિટી વધારવામાં આવી છે. આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ બાળકોને અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઇને રાજકોટ વહીવટીતંત્ર દ્વારા બાળકોના ડોક્ટર સાથે બેઠક યોજીને ખાસ બાળકો માટેની અલગ બેડની હૉસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: રાજ્યમાં હવે વાગશે મ્યુઝિક પાર્ટી અને ડી.જે. બેન્ડ, ગૃહવિભાગ કરશે સત્તાવાર જાહેરાત