- ગિરનાર વિસ્તારમાં આજે 20 કરતા વધુ સિંહો
- 1911માં નવાબે સિંહના શિકાર પર મુક્યો પ્રતિબંધ
- વિશ્વના અનેક દેશોના પ્રાણી સંગ્રહાલયોમાં ગીરના સિંહોની ડણક
જૂનાગઢ : એશિયાનું એક માત્ર ગુજરાત અને તેમાં પણ ગીરમાં જોવા મળતા જંગલના રાજાનું સામ્રાજ્ય ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ જોવા મળતું હતું, પરંતુ કાળક્રમે સિંહોના નૈસર્ગિક નિવાસસ્થાનો કુદરતી અને લોકો દ્વારા નુકસાન થતા સિંહ આજે એશિયામાં એક માત્ર ગુજરાત અને ગીરના ( Lion In Gir ) જંગલમાં જોવા મળે છે, ગુજરાત અને ભારત સિવાય વર્ષો પહેલા જંગલના રાજા સિંહ મેસોપોટેમીયા, અરેબિયા અને પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા, પરંતુ સિંહોના અકાળે શિકાર અને તેના રહેઠાણો નષ્ટ થવાને કારણે જંગલના રાજા સિંહ આજે એશિયામાં એક માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ( World Lion Day 2021 ) નિમિતે આ ખાસ અહેવાલ....
સિંહોનું અંતિમ નિવાસસ્થાન 'ગીર'
ગીરનું જંગલ સિંહ સાચવીને બેઠુ છે, જેને કારણે ગીરની છાતી ગજગજ ફૂલી રહી છે. ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનું વર્ચસ્વ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળતું હતું, પરંતુ જંગલના રાજાની એક ડણક કેટલાક રાજ્ય અને દેશોના લોકોને જાણે કે આંખમાં કણાની જેમ ખૂંચતી હોય તે પ્રકારે સિંહોના પ્રાકૃતિક નિવાસ્થાનોને ખૂબ મોટું નુકસાન કરીને સિંહોના શિકાર જેવા વિકૃત શોખ પાડીને જંગલના રાજા સમા જાજરમાન પ્રાણી સિંહ કાળક્રમે નષ્ટ થયા અને આજે એકમાત્ર એશિયામાં અને તે પણ ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે. જંગલના રાજાને ગીરમાં સાચવવાનું અભિમાન અને ખુમારી આજે ગુજરાતની સાથે ગીર લઈ રહ્યું છે. ગીરમાં સિંહોનું અંતિમ નિવાસસ્થાન એશિયામાં માનવામાં આવે છે, તેની પાછળ પણ ખૂબ મહેનત અને મોટી લડાઈ શામેલ છે, જેના કારણે ગીરમાં સિંહ બિલકુલ મુક્ત મને ફૂલ્યા ફાલ્યા જોવા મળે છે.
ગિરનાર વિસ્તારમાં આજે 20 કરતા વધુ વનરાજ
એશિયા સહિત વિશ્વના અરેબિયા, પર્શિયા અને મેસોપોટેમીયા દેશોમાં સિંહ કાળક્રમે આજે લુપ્ત બન્યા છે, પરંતુ જંગલના રાજાને સાચવવાનું અભિમાન આજે ગીર લઈ રહ્યું છે, વર્ષ 1884માં સૌરાષ્ટ્રની બહાર એકમાત્ર સિંહની હાજરી નોંધાઈ હતી, ત્યારબાદ આજ દિન સુધી ગીરની બહાર સિંહોની ડણક આજે પણ રોમાંચકારી હોય એવું લોકો માની રહ્યા છે, વર્ષ 1963માં ગિરનાર વિસ્તારમાં અંતિમ વખત સિંહ જોવા મળ્યો હતો, પરંતુ આજે સિંહોના સંવર્ધન અને તેની સલામતી ખૂબ જ મજબૂત થતાં ગિરનાર વિસ્તારમાં પણ આજે 20 કરતા વધુ વનરાજો જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં વર્ષ 1911 માં નવાબે સતત ઘટતી જતી સિંહોની સંતતિને લઈને સિંહોના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો અને તેના બદલામાં પકડાયેલા પ્રત્યેક વ્યક્તિને મરણતૂલ્ય સજા આપવાનું નક્કી કર્યું હતું, ત્યારથી ગીરમાં સિંહોને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તે પ્રકારે સિંહોની સંતતિ સતત વધી રહી છે.
જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર મૂક્યો પ્રતિબંધ
જૂનાગઢના નવાબી કાળમાં પણ સિંહનો શિકાર થતો હતો, પરંતુ જંગલના રાજાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો અને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકીને આ પ્રકારની ગેર કાનૂની ગતિવિધિમાં શામેલ સૌ કોઈને આકરી સજા ફટકારવાનો નિર્ણય કર્યો હતો. આ જ કારણે ગીરમાં સિંહોની સંતતિ સલામત રહી અને આજે સમગ્ર એશિયામાં 600 કરતાં વધુ સિંહો એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. ગીર સિવાય સમગ્ર વિશ્વમાં એકમાત્ર આફ્રિકા ખંડમાં સિંહો જોવા મળે છે, પરંતુ સતત ઘટતી જતી સિંહોની સંખ્યા અને સિંહોની સુરક્ષાને લઇને નવાબ બાદ રાજ્યના વન વિભાગે પણ કેટલાક સચોટ અને પરિણામલક્ષી કાર્યક્રમો દ્વારા આજે ગીરમાંથી સિંહોને લુપ્ત થતા અટકાવી દીધા છે. ગીરમા જોવા મળતી સિંહોની સંતતિ આજે વિશ્વના અનેક દેશોના પ્રાણી સંગ્રહાલયોમાં પણ ગીરના સિંહોની ડણક આજે પણ સંભળાઇ રહી છે, અને આજ કારણ છે કે એશિયામાં એક માત્ર સિંહ ગીરમાં જોવા મળી રહ્યા છે.