ઠંડીનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જે કારણે ગરમ કપડાની બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયાની સરખામણીએ પાછલા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ફુંકાઈ રહેલા ઠંડા પવનને કારણે જૂનાગઢ શહેરના તાપમાનમાં સરેરાશ કરતા પાંચથી સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેને લઇને જૂનાગઢ શહેરમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.
શહેરમાં છેલ્લા 30 વર્ષથી તિબેટના વેપારીઓ સ્વેટર અને ગરમ કપડાનાં વેચાણ માટે જૂનાગઢ આવે છે. આ વર્ષે પણ આ વેપારીઓએ જૂનાગઢમાં ગરમ કપડાંનુ વેચાણ શરૂ કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગરમ કપડાના ભાવમાં કોઇ વધઘટ કરવામાં આવી નથી. પરંતુ જેમ-જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ ગરમ કપડાની માગમાં પણ વધારો થવાની શક્યતા છે. ગરમ કપડાના ભાવમાં સરેરાશ 5થી 20 ટકાનો વધારો પણ થઈ શકે છે. હાલ તો જૂનાગઢ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા ગરમ કપડાની ખરીદીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે