- જૂનાગઢમાં શરૂ થશે સેન્ટર ફોર વાઈલ્ડ લાઇફ સ્ટડીઝ
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વાઈલ્ડ લાઇફને લગતા અભ્યાસક્રમો ભણાવાશે
- રાજ્યના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી વચ્ચે ચર્ચા અંતિમ તબક્કામાં
જૂનાગઢ: આગામી વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વાઈલ્ડ લાઇફને લગતા અભ્યાસક્રમો શરૂ થવા જઇ રહ્યા છે. સમગ્ર અભ્યાસક્રમને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજ્યના શિક્ષણ વિભાગ વચ્ચે તમામ પ્રક્રિયાઓ અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું યુનિવર્સિટીના કુલપતિ જણાવી રહ્યા છે. આ અભ્યાસક્રમ વડે યુનિવર્સિટીને નવી ઓળખ મળવાની સાથે ગીર, જૂનાગઢના યુવાનોને રોજગારીની વિપુલ તકો પણ પ્રાપ્ત થશે.
જૂનાગઢ અને ગીર વિસ્તારમાં છે ભારે જૈવિક વિવિધતા
જૂનાગઢ અને ગીર વિસ્તારમાં એશિયાટિક લાયન મુખ્ય આકર્ષણ છે, આ ઉપરાંત પણ અહીં અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે સેન્ટર ફોર વાઈલ્ડ લાઇફ સ્ટડીઝને લીધે ગીર-જૂનાગઢને મળેલી આ અમૂલ્ય ભેટનું સંવર્ધન કરવા માટેની દિશામાં પણ અનેક આવાકારદાયક પગલા લેવાશે. જે સંશોધનકારો વાઇલ્ડ લાઇફને લઇને સંશોધન કરી રહ્યા છે તેમને પણ બહોળા પ્રમાણમાં સંશોધનની વિપુલ તકો પ્રાપ્ત થશે, જેના થકી આ વિસ્તાર સિંહની સાથે વાઇલ્ડ લાઇફના સંશોધનમાં પણ સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરશે.
વાઇલ્ડ લાઇફમાં રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓને પણ મળશે મોટો ફાયદો
અભ્યાસક્રમ શરૂ થવાથી જે વિદ્યાર્થીઓ વાઇલ્ડ લાઇફમાં ખૂબ મોટી રુચિ ધરાવે છે તેમને ખૂબ જ સફળતાઓ મળી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ સુધી કોઇ કોલેજમાં આ પ્રકારનો અભ્યાસક્રમ શરૂ કરાયો નથી. આથી વાઇલ્ડ લાઇફમાં પોતાનું કરિયર બનાવવા તરફ વિચારતો વિદ્યાર્થી અભ્યાસની વધુ તકો ન હોવાને કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવતો હતો, પરંતુ હવે આ મુશ્કેલી પણ દૂર થવા જઇ રહી છે.