- માલધારીઓના પશુધનને બચાવવા ધારાસભ્ય રીબડીયા કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત
- વાવાઝોડામાં નષ્ટ થયેલા ઘાસચારાને લઈને પશુપાલકો મુકાયા વિકટ પરિસ્થિતિમાં
- વનવિભાગના ગોડાઉનમાં પડેલું ઘાસ માલધારીઓને આપવાની કરી માંગ
જૂનાગઢ: વાવાઝોડા દરમિયાન ગીરના નેસમાં વસવાટ કરતા માલધારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. જેને લઈને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મંગળવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા માલધારીઓને મદદ કરવાની માંગ કરી છે. જે પ્રકારે વાવાઝોડાએ વિનાશ કર્યો છે તેને લઈને ગીરના માલધારીઓ હવે ખૂબ સંકટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે, માલધારીઓને તેના પશુધનને બચાવવાની વિકટ પરિસ્થિતિ સામે આવીને ઉભી છે. આવી પરિસ્થિતિમાં ગીરના નેસમાં વસવાટ કરતો માલધારી ખૂબ જ ચિંતિત બન્યો છે. આથી, રીબડીયાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો 15 મિનિટ સુધી પડ્યો ધોધમાર વરસાદ
વન વિભાગના ગોડાઉનમાંથી ઘાસચારો આપવાની રીબડીયાએ કરી માંગ
રાજ્યના વન વિભાગ હસ્તક આવતા ગોડાઉનમાં હજારો કિલો ઘાસચારો અનામત પડ્યો છે. રાજ્ય સરકાર આ ઘસચારાનો ઉપયોગ દુષ્કાળની પરિસ્થિતિમાં પશુધનને બચાવવા માટે કરતી હોય છે. ત્યારે, વાવાઝોડાને કારણે ગીરના નેસના માલધારીઓનો ઘાસચારો નેસ્ત નાબૂદ થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં, વન વિભાગના ગોડાઉનમાં રહેલો ઘાસચારો ગીરના માલધારીઓના પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે તેવી માંગ પણ જુનાગઢ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસુ આવવાની ઘડીઓ ગણાઇ રહી છે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારને ઘાસચારો આપવાનું ખૂબ જ સરળ બની રહેશે તેવો તર્ક પણ હર્ષદ રિબડિયાનો સામે આવ્યો છે.
આ પણ વાંચો: તૌકેત વાવાઝોડાનો તાંડવ - જૂનાગઢમાં બાજરી, તલ સહિત ઉનાળુ પાકને મોટુ નુકસાન