- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂગર્ભ ગટર યોજના બની રહી છે સાકાર
- આગામી 20 વર્ષ કરતાં વધુના આયોજનને ધ્યાને રખાયું
- આગામી દિવસોમાં શહેરમાં ગંદા પાણીના ફિલ્ટર માટે આઠ પ્લાન્ટ પણ લગાવવાનું છે આયોજન
જૂનાગઢઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના સાકાર બનતી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને બે તબક્કામાં વહેંચીને સમગ્ર શહેરમાં આધુનિક અને 20 વર્ષ કરતાં વધુના સમયને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાને સાકાર બનવા તરફ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી દિવસોમાં ભૂગર્ભ ગટરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થતાં જૂનાગઢવાસીઓને 100 વર્ષ કરતાં વધુ જૂની નવાબી કાળની ગટર વ્યવસ્થામાંથી મુક્તિ મળશે. આધુનિક ઢબે બનેલી ગટર વ્યવસ્થા અમલમાં આવવાથી ગંદા પાણીના નિકાલને લઈને જૂનાગઢવાસીઓને કોઈ મુશ્કેલી નહીં પડે તેવું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયાએ ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ
આગામી દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવાના આઠ પ્લાન્ટ કાર્યરત બનશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસીયાએ ETV Bharat સમક્ષ ગટર વ્યવસ્થાને લઈને વધુ કેટલીક યોજનાઓને ઉજાગર કરી હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ગટરનું ગંદુ પાણી શહેરના નક્કી કરેલા પોઇન્ટ પર એકત્ર કરવામાં આવશે અને અહીં ઉભા કરવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ દ્વારા ચોખ્ખું થયેલું પાણી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સહિત ખેતી કામમાં આપવામાં આવશે. જેને લઇને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગટરના પાણીને શુદ્ધ કરવાના આઠ જેટલા પ્લાન્ટ મૂકવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે પૈકીનો એક પ્લાન્ટનું કામ હવે બિલકુલ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે.
અંદાજીત 350 કરોડ કરતા વધુના ખર્ચે જૂનાગઢમાં પ્રથમ વખત ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન થઈ રહ્યું છે
રાજ્યના નવ મહાનગરો પૈકી 8 મહાનગરોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા પહેલેથી અમલમાં જોવા મળી રહી છે પરંતુ જૂનાગઢ મહાનગરમાં અત્યાર સુધી નવાબી કાળની અને 100 વર્ષ પહેલાની ગટર વ્યવસ્થા અમલમાં જોવા મળતી હતી. કેટલાક વિસ્તારોમાં ગટરનું પાણી માર્ગ પર આવવાની સમસ્યા સામાન્ય બનતી જોવા મળતી હતી ત્યારે હવે ભૂગર્ભ ગટર યોજનાથી સમગ્ર જૂનાગઢ શહેર આવરી લેવામાં આવ્યું છે. જેને કારણે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પરથી વહેતા અટકશે અને લોકોના આરોગ્ય અને સુખાકારીમાં પણ આ ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી વધારો થશે તેવું ચેરમેન રાકેશ ધુલેશીયા જણાવી રહ્યા છે.
ગટરના ગંદા પાણીને ફિલ્ટર કરીને ખેતીકામમાં વાપરવામાં આવશે
ભૂગર્ભ ગટર યોજના સાકાર બન્યા બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના અલગ-અલગ આઠ જગ્યા પર પાણીને ફિલ્ટર કરીને ફરી તેનો ઉપયોગ કરી શકાય તે દિશામાં વિચારી રહી છે. કોર્પોરેશનને આઠ જેટલા ફિલ્ટર પ્લાન્ટ નાખવાનું વિચારી લીધું છે. જે પૈકીનું એક પ્લાન્ટ બિલકુલ પૂર્ણ થવાને આરે છે. અહીં ગટરનું ગંદુ પાણી ફિલ્ટર કરીને તેનો ખેતીકામમાં ઉપયોગ કરવામાં આવશે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને અન્ય ખેડૂતોને આ પાણી ખેતીકામ માટે વિનામૂલ્યે આપવાનું જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિચારી રહી છે. ગટરના શુદ્ધ કરેલા પાણીથી જો ખેતી શક્ય બને તો ભૂગર્ભજળ દર વર્ષે નીચું જઈ રહ્યું છે તેને બચાવી લેવામાં પણ ખૂબ મોટો સહકાર મળી શકે તેમ છે.
આ પણ વાંચોઃ પેપરમિલ દ્વારા વેસ્ટ પાણીને બહાર છોડી ભૂગર્ભ જળ ખરાબ કરવાની ફરિયાદ નોંધાઇ
ભૂગર્ભ ગટર માટે રાજ્ય સરકાર અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે રકમની ફાળવણી
જૂનાગઢ શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને લઇને રાજ્ય સરકાર અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 350 કરોડ કરતાં વધુની રકમ ભૂગર્ભ ગટર વ્યવસ્થાને ફાળવવામાં આવી છે. જેના દ્વારા ગટર વ્યવસ્થા સાકાર બનવા જઈ રહી છે.
ગંદાપાણીની પળોજણમાંથી મુક્તિ મળશે
સમગ્ર ગટર વ્યવસ્થાનું સંચાલન જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક અને જે વિસ્તાર કોર્પોરેશનમાં નથી આવતો તે વિસ્તારની ગટર વ્યવસ્થા અને તેનું સંચાલન અને જાળવણી ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવશે. આધુનિક ગટર વ્યવસ્થા જૂનાગઢ શહેરમાં સાકાર બનવાથી લોકોના આરોગ્યની સાથે વર્ષો જૂની ગટર વ્યવસ્થામાંથી મુક્તિ મળશે અને લોકોને ગટરના ગંદા પાણીની પળોજણમાંથી પણ આગામી દિવસોમાં મુક્તિ મળવા જઈ રહી છે તેવો આત્મવિશ્વાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયાએ વ્યક્ત કર્યો હતો.