- આજે ઋષિ પાંચમનો તહેવાર ધાર્મિક વિધિવિધાન સાથે મનાવવામાં આવી રહ્યો છે
- આજના દિવસે ઋષિઓના દોષમાંથી મુક્ત થવાને લઈને પૂજાનું છે વિશેષ મહત્વ
- મહાભારત કાળમાં શ્રીકૃષ્ણના ઉપદેશથી પાંડવોની સાથે દ્રૌપદીએ પણ કરી હતી ઋષિ પાંચમની પૂજા
જૂનાગઢ: માનવ જીવન પર ઋષિઓનું ઋણ આજે પણ જોવા મળતું હોય છે. માનવ સમુદાયની વચ્ચે આવતા અને કેટલાક પ્રસંગોમાં તેમની વચ્ચે રહેતા ઋષિઓ માનવ સમાજના ખરા અર્થના પથદર્શક માનવામાં આવે છે. સમગ્ર સંસારનું સર્વથા કલ્યાણ થાય અને આ જ કલ્યાણકારી યજ્ઞમાં ઋષિઓ પોતાનું જીવન વૃતાંત સમેટી લેતા હોય છે. તેથી માનવ જીવન અને માનવ સમુદાયોમાં આજે પણ ઋષિઓનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે. સમગ્ર માનવ જીવન ઋષિઓનું આજે પણ ઋણી બની રહે છે. માત્ર પરોપકાર માટે પોતાનું જીવન વ્યતીત કરનારા ઋષિઓના ઋણમાંથી મુક્ત થવા માટેનું પર્વ વૈદિક કાળથી પરંપરાગત રીતે ઋષિ પાચમ નો તહેવાર ઉજવાય છે. જે ભાદરવા સુદ પાંચમની તિથિ એટલે કે હિન્દુ કેલેન્ડર મુજબ તેને ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વ્રત રાખવાની પણ ધાર્મિક માન્યતા છે. આજના દિવસે કરેલું વ્રત પ્રત્યેક વ્યક્તિને જાણે-અજાણે થયેલા દોષોમાંથી ઋષિ કૃપા પ્રાપ્ત થવાથી મુક્તિ મળતી હોવાની ધાર્મિક માન્યતા આજે પણ ખૂબ જ આસ્થા સાથે જોવા મળે છે.
જગતગુરુ શ્રીકૃષ્ણના ઉપદેશથી પાંડવોની સાથે દ્રોપદીએ કરેલું હતું ઋષિ પાંચમનું વ્રત
મહાભારત કાળથી વન પર્વમાં વનમાં પાંડવોને મળવા માટે જગતગુરુ કૃષ્ણ આવતા હોય છે. આ સમયે પાંડવોએ દોષમાંથી મુક્ત થવાનો ઉપાય જગતગુરુ શ્રીકૃષ્ણ પાસે જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શ્રીકૃષ્ણે પાંડવો સાથે દ્રોપદીને ઋષિ પાંચમના દિવસે ઉપવાસ કરવાથી આ પ્રકારના દોષોમાંથી મુક્તિ મળતી હોય છે, તેવો ઉપદેશ આપ્યો હતો. પાંચમના દિવસે ઋષિઓનું પૂજન-અર્ચન અને તેમના ગુણોનું સ્મરણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે તો ઋષિ દોષોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ પાંડવોએ કરેલા ઋષિ પાંચમના વ્રતના પરિણામે ઋષિઓના આશીર્વાદ મળવાથી પાંડવો અને દ્રોપદી ઋષિ દોષમાંથી મુક્ત થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ઋષિ પાંચમના દિવસેને દોષ નાશક તરીકે વર્ણવ્યું છે. દોષ મુક્તિ માટે સ્વર્ગના આધિપતિ ઇન્દ્ર દેવે પણ ઋષિ પાંચમનું વ્રત કર્યું હોવાનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં પણ જોવા મળે છે.
ઘરના કોઈ એક ખૂણામાં ગાયના છાણથી લીંપણ કરીને સપ્તઋષિનું સ્થાપન કરવાની છે પરંપરા
આપણી હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં ઋષિ પાંચમનું વ્રત મહિલાઓ વિશેષ કરતી હોય છે. તેમની પાછળ પણ એક રહસ્ય ઉજાગર થાય છે કે, મહિલાઓના તમામ વ્રત તેમના સમગ્ર પરિવાર માટે થતાં હોય છે. જેને લઈને ઋષિ પાંચમનું પર્વ મહિલાઓ સવિશેષ કરતી હોય છે. આજના દિવસે નદી કે તળાવમાં સ્નાન કરી ઘરના કોઈ ખૂણા પર ગાયના છાણથી લીપણ કરી આ જગ્યા પર સપ્તર્ષિનું સ્થાપન કરી અને તેની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે. આજના દિવસે પૂજા કરવાની સાથે ઋષિઓનું ઋણ ચૂકવી શકવાને પ્રત્યેક ભક્ત સમર્થ નહીં હોવાની પ્રાર્થના કરીને ઋષિઓ પાસે ક્ષમા અને દોષમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. આજના દિવસે સાંબાની ખીર કે ખીચડી બનાવીને ઉપવાસ કે એકટાણું કરવાની પણ ધાર્મિક પરંપરા છે. આ તમામ વિધિઓ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરવાથી ઋષિ પાંચમના દિવસે ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે.