- આજે કાલાષ્ટમી એટલે કે ભૈરવ અષ્ટમીના તહેવારની ઉજવણી થઇ રહી છે
- આજના દિવસે કાળભૈરવની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે
- હિન્દુ ધર્મગ્રંથોમાં 64 કાળભૈરવના પૂજન કરવાની છે વિશેષ ધાર્મિક માન્યતા
જૂનાગઢ: આજે કાલાષ્ટમી એટલે કે કાળ ભૈરવ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની અંધારી આઠમે કાલાષ્ટમી એટલે કે ભૈરવ અષ્ટમીની ઉજવણી થતી હોય છે. આજના દિવસે કાળભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ દર મહિને કાલાષ્ટમી એટલે કે કાલ ભૈરવ અષ્ટમીના દિવસે સાધકો કાલભૈરવ દાદાની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં 64 કાળભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક સાધક તેમની શક્તિ અને ભક્તિ મુજબ કાળભૈરવ દાદાની પૂજા કરીને તેમના અને તેમના પરિવાર પર કાળભૈરવ દાદાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તે માટે સાધકો પૂજા કરતા હોય છે.
હિન્દુ ધર્મગ્રંથોમાં 64 કાળભૈરવની પૂજાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે
હિન્દુ ધર્મગ્રંથોમાં 64 ભૈરવની પૂજાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 51 શક્તિપીઠોમાં માં જગદંબાના સૈનિક તરીકે કાળભૈરવ આજે પણ દ્રષ્ટિમાન થાય છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગમાં પણ કાળભૈરવ દાદાના દર્શન અચુક પણે થઈ રહ્યા છે. તેમજ 64માં ભૈરવ તરીકે બટુક ભૈરવની પણ હિન્દુ ધર્મગ્રંથોમાં પૂજા માટેની વિશેષ મહત્વ જોવામાં આવ્યું છે. કાલભૈરવને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ ભગવાન કાલભૈરવ તરીકે પૂજા કરવાનો કાલાષ્ટમીના દિવસે નિયમ છે. આપણી ધાર્મિક માન્યતા અનુસાર જે ભગવાન કાલભૈરવના ભક્તો સાથે દુષ્ટ કરે છે તેને ત્રણેય લોકમાં ક્યાંય પણ સ્થાન મળતુ નથી. આવી પ્રબળ હિન્દુ ધાર્મિક માન્યતા આજે પણ કાળભૈરવના સાધકોમાં જોવા મળે છે. જેને લઇને કાળ ભૈરવ અષ્ટમીના દિવસે દાદાની પૂજાનું વિશેષ મહત્વ સાધકોમાં જોવા મળે છે.
શિવપુરાણ મુજબ કાળભૈરવ દાદા શિવના ભાગમાંથી ઉદભવ્યાની છે ધાર્મિક માન્યતા
શિવપુરાણમાં કાળભૈરવ દાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાળભૈરવ દાદા ભગવાન શિવના ભાગમાંથી ઉદભવ્યા હોવાનો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. જેથી આઠમના દિવસે આવતી કાલાષ્ટમીને કાળભૈરવ અષ્ટમી અથવા તો ભૈરવ અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં કાળભૈરવ દાદાની પૂજા બટુક ભૈરવ અને કાળભૈરવના રૂપમાં ઉપાસના તેમના સાધકો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તંત્ર સાધનામાં ભૈરવના 8 સ્વરૂપો વર્ણવવામાં આવ્યા છે. આ સ્વરુપો પૈકી ભીષણ ભૈરવ ચંદ્ર ભૈરવ કૃધ્ધ ભૈરવ રુદ્ર ભૈરવ અસિતંગા ભૈરવ સંહાર ભૈરવ કપાળી ભૈરવ મનમત ભૈરવ અષ્ટમીના દિવસે કોઇપણ ભૈરવની પૂજા કરવાથી જીવનમાં આવેલા અવરોધો દૂર થાય છે અને સર્વે મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. તેઓ આપણા ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પાલીતાણાના કાળભૈરવ મંદિર ખાતે પરંપરાગત હવન યોજાયો
કાળભૈરવની સવારી અને તેને ચડાવવામાં આવતા નૈવેદ્ય
કાળભૈરવ દાદાની સવારી કાળા કલરનો સ્વાન જોવા મળે છે. જેથી આજના દિવસે સ્વાનને દૂધ પીવડાવીને કાળભૈરવ દાદાને પ્રસન્ન કરી શકાય છે. તેવી ધાર્મિક માન્યતા પણ આજે કાળભૈરવ દાદાના સાધકોમાં અચૂક જોવા મળે છે. કાળભૈરવ દાદાને ખિચડી, ભાત, ગોળ અને તેલ જેવા નૈવૈધ દાદાને અર્પણ કરવામાં આવે છે. કાલાષ્ટમીના દિવસે વ્રત કરવાથી રોગ દુઃખ અને શત્રુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે કાલાષ્ટમીની પૂજા મદદરૂપ બને છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવને પ્રિય ચીજ વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. જેમાં લીંબુ, કાળા તલ, ધૂપ, મદિરા, સરસવનું તેલ, અડદ, દાળ, ખીર વગેરેનું દાન કરીને કાળભૈરવ દાદાની કૃપા કાલાષ્ટમીના દિવસે પ્રાપ્ત કરી શકાય છે.
કેટલીક જગ્યા પર કાળભૈરવ દાદાના સાધકો દાદાને મદિરા પણ અર્પણ કરે છે
પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રભાસ પાટણના ભોઈ જ્ઞાતિના લોકો હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે ભગવાન કાળભૈરવની સ્થાપના કરે છે અને તેનું પૂજન પણ ધાર્મિક વિધિ વિધાન સાથે કરે છે. અહીં કાળભૈરવ દાદાને મદિરા અર્પણ કરવાની વિશેષ ધાર્મિક માન્યતા અને પરંપરા આજે પણ જળવાતી જોવા મળે છે અને હોળી અને ધૂળેટીના તહેવારના દિવસોમાં કાળભૈરવ દાદાની સ્થાપના સાથે તેનું પૂજન કરવામાં આવે છે. પ્રત્યેક સાધક કાળભૈરવ દાદાને મદિરા અચૂકપણે અર્પણ કરે છે. જે વ્યક્તિના શનિ રાહુ-કેતુ જેવા ગ્રહો નબળા હોય તો આવી વ્યક્તિ જો કાળભૈરવ દાદાની સાધના કરે તો નબળા ગ્રહો પ્રબળ બને છે અને જે તે વ્યક્તિ ઉન્નતિ તરફ આગળ વધી શકે છે. તેવી પણ આપણી ધાર્મિક માન્યતાઓ છે કાલાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવ દાદાને સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ ભૈરવ ચાલીસામાં દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કાળભૈરવ જયંતિ: જૂનાગઢમાં દાદાની પૂજા કરાઈ
કાલાષ્ટમીના દિવસે કાળભૈરવની પૂજા કરવાથી થતા લાભ
કાલાષ્ટમીના દિવસે કાળ ભૈરવની ઉપાસના કરવાથી મનુષ્ય જીવનમાંથી નકારાત્મક શક્તિઓ શત્રુ અને જાણે અજાણે થયેલા પાપો દૂર થતા હોય છે. આ ઉપરાંત ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે પણ કાલાષ્ટમીના દિવસે ભૈરવની ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. કોઈપણ વ્યક્તિના ગ્રહ અશુભ પ્રભાવ આપી રહ્યા હોય તો કાળ ભૈરવની ઉપાસના કરવાથી ક્રૂર ગ્રહોની અશુભ અસરો દૂર કરીને શુભ પરિણામ કાળ ભૈરવની સાધના કરવાથી મેળવી શકાય છે. અષ્ટમીના દિવસે શિવ ચાલીસાની સાથે ભૈરવ ચાલીસાના પાઠને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ ભૈરવ મંત્રનો 108 વારનો જપ પણ કાળભૈરવ અષ્ટમીના દિવસે શુભ માનવામાં આવ્યો છે. અષ્ટમીના દિવસે ઉપવાસ પૂર્ણ થયા બાદ કાળા રંગના સ્વાનને મીઠી રોટલી અથવા તો કાચું દૂધ આપવાની ધાર્મિક માન્યતા છે. સાથે જ ભૈરવ અષ્ટમીના દિવસે સ્વાનની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રિના સમયે ભૈરવના સાધકો સરસવનું તેલ, ઉદડ, દીવો કે કાળા તલની પૂજા કરીને કાળભૈરવ અષ્ટમીની ધાર્મિક વિધિ વિધાન સાથે પુજા કરી અને ઉત્તમ અને ઇચ્છિત ફળ પણ મેળવી શકે છે.