- ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી માથાકૂટ બાદ PSI ને કરાયા ફરજમોકૂફ
- જિલ્લા પોલીસ વડાએ મહિલા PSI વિધિ ઉંજીયાને કર્યા સસ્પેન્ડ ફરજમોકૂફ
- ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા
જૂનાગઢઃ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 15 માં એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન સોમવારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પ્રચાર તેમજ અગાઉના મન દુઃખના મામલાને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોને ઈજાઓ થઈ હતી. ત્યારે સમગ્ર મામલાને લઈને તપાસમાં બેદરકારી દાખવવા બદલ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ મહિલા PSIને ફરજમોકૂફ કરવાનો આદેશ કર્યો છે.
![જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી બબાલ મામલામાં PSIને સસ્પેન્ડ કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10651785_jungadhh.jpg)
PSIને ફરજ મોકૂફ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જેમા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા PSI વિધિ ઊંજીયા તપાસ કરી રહ્યા હતા, ત્યારે બંને પક્ષોએ સામસામી એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પૈકીના એક વ્યક્તિને મહિલા PSI દ્વારા મારવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને જિલ્લા પોલીસ વડાએ મહિલા PSI ઉંજીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જેથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો.
મહિલા PSI કસૂરવાર સાબિત થશે તો કાયદાકીય પગલા ભરવામાં આવશે
મહિલા PSIને સસ્પેન્ડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને જો સમગ્ર મામલામાં મહિલા PSI કસૂરવાર સાબિત થશે તો તેમની વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.