- દારૂના ધંધાર્થીઓનો નવતર પ્રયોગ પણ પોલીસને છેતરવામાં બન્યો નિષ્ફળ
- બુટલેગરોએ કુરિયર દ્વારા મંગાવી હતી 107 બોટલ દારૂ
- દારૂની ડિલિવરી થાય તે પહેલા જ પોલીસે દારૂ ઝડપી પાડયો
જૂનાગઢઃ જિલ્લાના બે બુટલેગર ફિરોજ અને વાહીદ કુરેશીએ ગુજરાત બહારના અમિત નામના વ્યક્તિ પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતિય 107 જેટલી દારૂની બોટલ કુરિયર દ્વારા મંગાવી હતી. જે બંને આરોપી સુધી કુરિયર દ્વારા ડિલિવરી કરવામાં આવે તે પહેલા જ પોલીસે તમામ દારૂના જથ્થાને કુરિયર ઓફિસથી પકડી પાડ્યો હતા. પોલીસે દારૂની કુરિયર દ્વારા ડીલેવરી થતી ઝડપી પાડીને અત્યાર સુધીના ઇતિહાસનો કુરિયર દ્વારા મંગાવવામાં આવેલો દારૂ પકડી પાડીને નોંધપાત્ર કેસને ઉજાગર કર્યો છે.
પોલીસે પાર્સલનો કબજો લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
જૂનાગઢ એસ.ઓ.જી.એ એલ સી બી ડિવિઝન પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના નંદન વિસ્તારમાં રહેતા ફિરોઝ બલોચ અને વાહીદ કુરેશી નામના બે બુટલેગરોએ ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂ ગુજરાત બહારના રાજ્યમાંથી મંગાવ્યો છે, જે જૂનાગઢ આવી પહોંચતા પોલીસે સંવાદ કોમ્પલેક્ષમાં આવેલી શ્રી નંદન કુરિયરમાં તપાસ કરતા પ્લાસ્ટિકના પેકિંગમાં 8 જેટલા પાર્સલો જે શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેમાંથી 107 બોટલ ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજિત 62 હજાર જેટલી થાય છે. પોલીસે તમામ 8 પાર્સલનો કબજો લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુરિયર દ્વારા દારૂ મંગાવવાનો નવતર કીમિયો પોલીસની આંખોને ચકમો આપવામાં રહ્યો નિષ્ફળ
જૂનાગઢમાં અગાઉ આટલી મોટી માત્રામાં કુરિયર દ્વારા કેફી પીણું કે દારૂ મંગાવવામાં આવ્યો હોય અને તેને પકડી પાડવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે. ગુજરાત બહારના કોઈ અમિત નામના વ્યક્તિએ 8 પાર્સલ શ્રી નંદન કુરિયર મારફતે સેનેટાઈઝર હોવાની કબૂલાત આપીને તેને જુનાગઢ મોકલ્યો હતો. સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે ગુજરાત બહારથી આ પ્રકારે સેનેટાઈઝરની આડમાં કેફી પીણું મોકલવામાં આવી રહ્યું છે અને તે ગુજરાત બહારના રાજ્યમાંથી હેમખેમ જૂનાગઢ સુધી પહોંચી જાય છે અને કોઈ પણ તપાસ એજન્સીઓને જૂનાગઢ પહોંચતા સુધી કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી, તે પણ અનેક સવાલો ઉભા કરી રહી છે. જૂનાગઢમાં દારૂ પહોંચી ગયા બાદ પોલીસે આ કુરિયર મંગાવનારા ફિરોઝ અને વાહિદની શોધખોળ હાથ ધરી છે સાથે સાથે જે વિસ્તારમાંથી દારૂ મોકલવામાં આવ્યું છે તે વ્યક્તિની પણ ચોક્કસ તપાસ થઈ શકે છે. આ પ્રકારે દારુ મોકલવાનો આ પ્રથમ બનાવ હતો કે અગાઉ પણ આ જ પ્રકારે દારૂ મોકલી આપવામાં આવ્યો હતો, પોલીસની નજર ચૂકવીને તેની ડિલિવરી કરવામાં બુટલેગરો સફળ રહ્યા હતા તે પણ તપાસનો વિષય ચોક્કસ બનશે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી
કુરિયરમાં દારૂ પહોંચી ગયાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જૂનાગઢ એલસીબી એસઓજી અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે બાતમીને આધારે શ્રી નંદન કુરિયરમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂ મંગાવનારા બંને વ્યક્તિની શોધખોળ જૂનાગઢ પોલીસ કરી રહી છે અને આગામી દિવસોમાં બંને આરોપીઓની સાથે દારૂ મોકલનારા પરપ્રાંતિય વ્યક્તિની પણ પોલીસ ધરપકડ કરશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ તપાસ ચાલુ છે. આ પ્રકારના રેકેટ ચલાવતા કોઈ પણ લોકોને પોલીસની ગતિવિધિ પ્રત્યે કોઈ પૂર્વ બાતમી મળી ન જાય તેને લઈને હાલ તમામ તપાસ ગુપ્ત રાહે જૂનાગઢ પોલીસ ચલાવી રહી છે અને આગામી દિવસોમાં કુરિયર દ્વારા દારૂ મંગાવનારા અને મોકલનાર તમામ બુટલેગરોને જૂનાગઢ પોલીસ નજીકના દિવસોમાં પકડી પાડશે તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.